દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો.
દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો.
દિવાળીનાં મહાપર્વ દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરના મુખિયાજી રૂચિરભાઇ સેવકે ભાઇબીજનાં દિવસનાં મહત્વ અંગે આ મુજબ જણાવ્યું ગઈકાલે રાજયભરમાં ભાઈબીજના તહેવારની ભારે હર્ષોલ્લાસ સાથે અને હેતપુર્વક ઉજવણી કરવામાં આવી ભાઈ-બહેનના પ્રેમ અને પ્રવિત્ર બંધનના પ્રતિક સમાન આ તહેવારના દિવસે ભાઈએ બહેનના ઘરે જમીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. દરમિયાન, ધનતેરસથી શરૂ થયેલા દિવાળીનાં મહાપર્વ દરમિયાન રાજ્યનાં પ્રસિધ્ધ ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં દ્વારકા, સોમનાથ, અંબાજી, પાવાગઢ જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત સાપુતારા, કચ્છ, દીવ-દમણ જેવા પર્યટન સ્થળોની મુલાકાતે આવી રહ્યા છે.
અમારા જુનાગઢ જિલ્લાના પ્રતિનિધી સંજીવ મહેતા જણાવે છે કે, દિવાળીની રજાઓમાં જુનાગઢ શહેરમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગિરનાર રોપ-વે માં દૈનિક ચાર હજારથી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. 75 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલા નવનિર્મિત ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં પણ દૈનિક 10 હજાર જેટલી ટિકિટનું વેચાણ થતું હોવાનું જનરલ મેનેજર રાજેશ તોલાણીએ જણાવ્યું હતું. છેલ્લાં ચાર દિવસ દરમિયાન 30 હજારથી વધુ પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. બીજી તરફ, ભક્તોએ નવા વર્ષના પ્રારંભે અક્ષર મંદિર સ્વામિનારાયણ મંદિર અને નરસિંહ મહેતાના ચોરા ખાતે યોજાયેલા અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો. 9 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા માટે અત્યારથી જ ભવનાથમાં વેપારીઓ અને યાત્રિકોની ચહલપહલ શરૂ થઈ છે. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા નવા રણુજા ધામ ખાતે ભાઈબીજનાં દિવસે ભક્તો મોટી સંખ્યામાં રામાપીરના દર્શન માટે આવ્યા હતા, રામાપીરના દર્શન માટે લોકો દર મહિને બીજનાં દિવસે દર્શનાર્થે આવે છે. બેસતુ વર્ષ અને ભાઇ બીજનાં દિવસે શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તો નું ઘોડાપૂર આવ્યું હતું. મહાકાળીના વિશેષ શણગારના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહબ જોવા મળ્યો હતો. રોપ વે સહિત નિજ મંદિર ખાતે દર્શન માટે મોટી કતારો જોવા મળી હતી.
પોરબંદરના માધવપુર ઘેડમાં ભાઈબીજના દીવસે સહેલાણીઓના સાગર છલકાયો હતો. ભાઈબીજના પવિત્ર તહેવારે સમુદ્ર સ્નાન કરવાનું અહીં અનેરૂ મહત્વ છે. ભાઈબીજના દિવસે યમુનાજી માધવપુરના દરિયામાં બિરાજતા હોવાની માન્યતાને આજે પણ લોકોએ જીવંત રાખી છે.
માધવરાય મંદિરના મુખિયાજી રૂચિરભાઇ સેવકે ભાઇબીજનાં દિવસનાં મહત્વ અંગે આ મુજબ જણાવ્યુ.