જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું
બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજજ કરવાનું આયોજન:-મંત્રીશ્રી કુંવરજી બાવળીયા
પીવાના પાણી અને સિંચાઇના જે પણ કામો છે એ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે:-મંત્રીશ્રી કુંવરજી બાવળીયા
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઇ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ, ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત લીધી હતી.
જિલ્લાની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળિયા સૌ પ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રી ત્યારબાદ આખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડ વર્કસની મુલાકાતે ગયા હતા.
મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, બાલારામ ચેકડેમ ૨૦૦૮-૦૯ માં મંજૂર થયો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી મંજૂરીના અભાવે કામ સ્થગીત હતું. ત્યાર પછી ઘણી રજૂઆતો બાદ બાલારામ ચેકડેમ બનાવવાની મંજૂરી મળી હતી. આવનારા સમયમાં ચેકડેમને સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી માટેના યોજનાકીય કામો, સુધારણા માટેના કામો, સિંચાઇ વિભાગને લગતા અટલ ભૂજલ યોજના અને સુજલામ- સુફલામ યોજના હેઠળ ચાલતા કામોનું અધિકારીઓ સાથે આજે નિરીક્ષણ કર્યુ છે. કોઇ કામમાં વિલંબ ન થાય એ માટે અધિકારીઓને સુચના આપી છે. સુજલામ- સુફલામ યોજનામાં ખુબ સારા પ્રમાણમાં કામો થઇ રહ્યા છે ત્યારે આ કામો ગુણવત્તાયુક્ત થાય અને પાણીનો સંચય થાય એ માટે પાણી પુરવઠા વિભાગ સતત ચિંતિત છે. આવનારા દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે. અને બાકી રહેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.
બાલારામ ચેકડેમની મુલાકાત બાદ મંત્રીશ્રી ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત લીધી હતી. સંપૂર્ણ હેડ વર્કસની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અધિકારીઓ દ્વારા ક્વાર્ટસથી નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકોર, મેરુજી ધુંખ, ભીખુસિંહ ડાભી, કિસાન અગ્રણી શ્રી માવજીભાઇ લોહ, પ્રાંત અધિકારીશ્રી ઓ, પાણી પુરવઠા અધિકારીશ્રીઓ તથા ડીસા મુકામે મુખ્ય ઇજનેરશ્રી ભાવિક રાઠોડ, અધિક્ષક ઈજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી ડી.એમ બુંબડીયા, નાયબ કલેકટર સહીત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા