દાંતા ખાતે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ’ ની ભવ્ય ઉજવણી કરાઇ

દાંતા ખાતે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ’ ની ભવ્ય ઉજવણી કરાઇ

આદિજાતિ ઉત્કર્ષ માટે ૪૨૫ જેટલી યોજનાઓ અમલમાં મુકાઈ છે: મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ

મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરાયુ

(માહિતી બ્યુરો, પાલનપુર)

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા, દાંતા ખાતે ૯ મી ઓગસ્ટ ને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકતાં અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ, બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના કલાકારો દ્વારા પરંપરાગત લોક વાદ્ય, લોક નૃત્ય સીદી ધમાલ સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી નાયકો અને ક્રાંતિવિરોએ આપેલા બલિદાન અને યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે.

આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયક ગોવિંદ ગુરુ, વેગડો ભીલ, જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા. પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ જળ, જમીન, જંગલ અને પશુ પક્ષીના સંરક્ષક હોવાનું જણાવી મંત્રીશ્રીએ તેમના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતુ. આદિજાતિના શિક્ષણ, રોજગાર, આરોગ્ય, રહેઠાણ સહિત માળખાગત સુવિધા અને આદિજાતિ ઉત્કર્ષ માટે ૪૨૫ જેટલી યોજનાઓ અમલમાં મુકાઈ છે. જ્યારે ૨૨ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આદિજાતિ સમાજની સૌથી પહેલી ચિંતા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ કરી હતી. હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને સમાજની મુખ્યધારામાં લાવવા માટે વનબધું કલ્યાણ સહિતની યોજનાઓ શરૂ કરી આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સંકલ્પ કર્યો છે જેને રાજ્યના મુખયમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શિક્ષણ,રમત ગમત સિધ્ધિઓ મેળવનાર અને ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાયેલા આદિવાસી યુવકો, કૃષિ ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય અને લાભના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી વરુણ કુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આઇ.શેખ, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવહુતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી કિર્તિસિંહ વાઘેલા, અગ્રણી લાભુ ભાઈ પારઘી સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!