આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરના મુકબધિર મહિલા હેતલબેન મોઢ

આત્મનિર્ભરતાની આગવી ઓળખ એટલે પાલનપુરના મુકબધિર મહિલા હેતલબેન મોઢ

મહિલાઓ માટે પ્રેરણારૂપ: અન્ય દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી બનાવી આત્મનિર્ભર

હસ્તકલાની કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ થકી સ્વમાનભેર પરિવારનું ગુજરાન ચલાવે છે

    

મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ પણ ઘૂંટણિયે પડે છે. અતૂટ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું આગવું ઉદાહરણ એટલે પાલનપુરના હેતલબેન ભરતભાઇ મોઢ. પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન ભરતભાઈ મોઢ 41 વર્ષના છે. તેઓ જન્મથી સાંભળી કે બોલી શકતા નથી. હેતલબેને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. હેતલબેન મોદીના પતિ ભરતભાઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ ભરતભાઈને અકસ્માત થતાં તેમની નોકરી છૂટી ગઈ હતી. જેથી બે પુત્ર, એક પુત્રી સહિત પાંચ સભ્યોના પરિવારની જવાબદારી હેતલબેન પર આવી પડી હતી. જો કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હેતલબેન હિંમત ન હાર્યા અને પરિવારની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી. પોતાના હુન્નર આવડત થકી આજે મહિને દસ હજારની કમાણી કરી સ્વમાનભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

હેતલબેન હસ્તકલામાં માહિર છે, તેઓ છેલ્લા 2 વર્ષથી દરેક તહેવાર પર અલગ અલગ ચીજ વસ્તુઓ પોતાના હાથે બનાવી તેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હેતલબેન મોઢ હસ્તકલાની અવનવી ચીજ વસ્તુઓ જેવી કે કૃષ્ણના વાઘા, મોતીના તોરણ, શોકશો ડાઇઝનના સેટ, રાખડીઓ, ચણીયા ચોળી, ઉનની કોટી, મુખવાસની બોટલ પર ભરતકામ, સહિત નવરાત્રી સ્પેશિયલ તમામ વસ્તુઓ તેમજ ઘર સુશોભિત ચીજ વસ્તુઓ બનાવી આર્થિક રીતે પગભર બન્યા છે.

આગામી સમયમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમો રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે. જેને અનુલક્ષીને હેતલબેને હસ્તકલાની અવનવી ડિઝાઇન વાળી ડાયમંડ, મોતી, રુદ્રાક્ષ, અને કાર્ટૂન વાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકીંગ જેવી 200થી 300 પ્રકારની મનમોહક રાખડીઓ બનાવી છે. જેની કિંમત 10 રૂપિયાથી લઇ 50 રૂપિયા સુધીની છે. હેતલબેન ઓનલાઈન ઓર્ડર પ્રમાણે હૈદરાબાદ, અમદાવાદ, વડોદરા, તેમજ ગુજરાતના અનેક જિલ્લામાં પોતાની હસ્તકલા બનાવટની વસ્તુઓનું વેચાણ પણ કરે છે. તેમજ એક્ઝિબિશનમાં અને બજારમાં વેચાણ કરી મહિને 10 હજારની આવક મેળવી રહ્યા છે.

હેતલબેન મોઢ છેલ્લા ચાર વર્ષથી વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતીબેન મહેતા જણાવે છે, કે હેતલબેન મોઢ મારા પાસે અલગ અલગ ચીજ વસ્તુઓની તાલીમ મેળવી છેલ્લા બે વર્ષથી તેઓ હિંદુ ધર્મના તહેવાર નિમિત્તે અલગ અલગ ચીજ વસ્તુઓ પોતાના હાથની કલાથી બનાવે છે. તેમજ 5 થી વધુ દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કરી રહ્યા છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!