પાલનપુર મુકામે “પમરાટ” પુસ્તક લોકાર્પણ અને કવિ સંમેલન યોજાયું
મંગલમ્ વિદ્યાલય પાલનપુર મુકામે “પમરાટ” પુસ્તક લોકાર્પણ અને કવિ સંમેલન યોજાયું
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે આવેલ ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજની નામાંકિત સંસ્થા “મંગલમ્ વિદ્યાલય” ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલા આમંત્રિત મહેમાનોની વિશાળ ઉપસ્થિતીમાં જાણીતા વાર્તાકાર, નવલકથાકાર અને એવોર્ડ વિજેતા સાહિત્યકાર પ્રવીણભાઇ જોષીના સંપાદિત પુસ્તક “પમરાટ” નું લોકાર્પણ જાણીતા વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા ગુરૂ બ્રાહ્મણ સમાજ અને “સમાજ સાગર” પરિવાર તેમજ સમગ્ર જોષી પરિવાર પસવાદળ અને જોષી પરિવાર કહોડાના સાથ અને સહકાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ગુરૂ બ્રાહ્મણ સમાજના ઉત્સાહી પ્રમુખ અરવિંદભાઈ ચોરાસિયાએ અધ્યક્ષપદ શોભાવ્યું હતું. દીપ પ્રાગટ્ય ભૂપેશદાસ સાધુએ કરીને મુખ્ય મહેમાન ડૉ. સુરેન્દ્ર ગુપ્તા શબ્દપોષક તબીબ પાલનપુરની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી એન. જે. શ્રીમાળીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું શાલરૂપી ખેસ, પુષ્પગુચ્છ અને સોવિનીયાર દ્વારા સન્માન કરાયું હતું. તદુપરાંત ભોજનદાતા શ્રીમતી લીલાબેન અરવિંભાઈ ચોરાસિયાનું ‘સમાજ સાગર’ સાપ્તાહિકના તંત્રી શ્રીમતી રમીલાબેન પી. જોષીએ પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ
પ્રસંગે ગાંધીનગરથી પધારેલા પી. બી. શ્રીમાળી (નિવૃત્ત નાયબ નિયામક, સમાજ કલ્યાણ વિભાગ, ગાંધીનગર)એ સર્જકશ્રીનો ખૂબ જ સુંદર રીતે આપ્યો હતી. જૂનાગઢથી પધારેલા સર્જકશ્રી દિલીપભાઈ ધોળકિયાએ કૃત્તિ પરિચય આપીને સાહિત્યકારશ્રી પ્રવીણભાઈ જોષીના સંપાદિત કાવ્યસંગ્રહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
સર્જકશ્રી પ્રવીણભાઈ જોષીએ પણ પોતાની કેફિયત રજૂ કરીને આમંત્રિત મહેમાનો, સમાજના અગ્રણીઓ, ભોજનદાતા શ્રીમતી લીલાબેન અરવિંદભાઈ ચોરાસિયા અને સંસ્થા સહિત સર્વનો આભાર વ્યક્ત કરીને પધારેલા કવિ મિત્રોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં મોડાસાથી ડૉ. પિનાકિન પંડ્યા, કેળવણીકાર ઈશ્વર શ્રીગોડ, ભાનુભાઇ દવે ગાંધીનગર, બાલકૃષ્ણ જીરાલા (મેમ્બર, પશ્ચિમ રેલવે, મુંબઈ) અને લોકપ્રિય સાહિત્યકાર ધરમસિંહ પરમાર રાધનપુર અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમના બીજા ભાગમાં રાજકોટ, મોરબી, અરવલ્લી જિલ્લાના મોડાસા, હિંમતનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, રાધનપુર સહિત અનેક સ્થળોએથી કવિ મિત્રો ઉપસ્થિત રહીને પોતાની સ્વરચિત કવિતાઓ રજૂ કરીને કવિ સંમેલનને સફળ બનાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના ઉપપ્રમુખ અને સાહિત્યકાર ધરમસિંહ પરમારે કર્યું હતું. કવિ સંમેલનમાં ડૉ. પિનાકિન પંડ્યા અને ઉમદા ગઝલ કાર દિલીપભાઈ ધોળકિયાએ સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો. અંતમાં આભારવિધિ નિકુંજ વૈશ્યક (કોષાધ્યક્ષ, શબ્દાયન) દ્વારા કરીને સૌનો આભાર માનવામાં આવ્યો હતો.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ