કૉંગ્રેસ કાર્યકારી સમિતિએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવવાની વિનંતી કરી.
કૉંગ્રેસ કાર્યકારી સમિતિએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવવાની વિનંતી કરી.
કૉંગ્રેસ કાર્યકારી સમિતિએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા નિભાવવાની વિનંતી કરવામાં આવી છે. નવીદિલ્હીમાં શનિવારે યોજાયેલી કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કે. સી. વેણુગોપાલે કહ્યું કે, કૉંગ્રેસ કાર્યકારી સમિતિ માને છે કે, રાહુલ ગાંધીનું નેતૃત્વ મજબૂત અને જાગ્રત વિપક્ષનું નિર્માણ કરશે.
કૉંગ્રેસના વરિષ્ઠનેતા જયરામ રમેશે કહ્યું હતું કે, તાજેતરની ચૂંટણીઓ કૉંગ્રેસ પક્ષ માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરે છે. પાર્ટી રાજ્યસ્તરે ચૂંટણી પ્રદર્શનનું સંપૂર્ણ વિશ્લેષણ કરશે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સૌપ્રથમ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કૉંગ્રેસના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપ્યા હતા.
શ્રી ખડગેએ કહ્યું કે, કૉંગ્રેસે જ્યાંથી ન્યાય યાત્રા શરૂ કરી હતી તેવા મણિપુરમાં બંને બેઠક જીતી તેમ જ નાગાલેન્ડ, આસામ, મેઘાલયમાં પણ બેઠક મેળવી. શ્રી ખડગેએ કહ્યું કે, લોકશાહી અને બંધારણ બચાવવા માટે દેશભરમાં કૉંગ્રેસને લોકોનું સારું સમર્થન મળ્યું છે. કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પાર્ટી નેતાઓ હાજર હતા.