ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ એનડીએ ત્રીજી વાર સત્તા રચવાની દિશામાં.
ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ એનડીએ ત્રીજી વાર સત્તા રચવાની દિશામાં.
લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએએ 292 બેઠકો મેળવીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. લોકસભાની તમામ 543 બેઠકોનાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. 240 બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. તેનાં સહયોગી પક્ષ તેલુગુ દેસમ પાર્ટીને 16 અને જેડીયુને 12 બેઠકો મળી છે.
વિરોધ પક્ષોનાં ઇન્ડિ ગઠબંધનને 233 બેઠકો મળી છે, જ્યારે અન્યોને 18 બેઠક મળી છે. કોંગ્રેસને 99, સમાજવાદી પાર્ટીને 37, તૃણમુલ કોંગ્રેસને 29 અને ડીએમકેને 22 બેઠકો મળી છે.
અગ્રણી વિજેતા ઉમેદવારોમાં પ્રધાનમંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર મોદી-વારાણસી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ-ગાંધીનગરથી ઓમ બિરલા-કોટા, અર્જુનરામ મેઘવાલ-બિકાનેર, ગજેન્દ્રસિંહ શેખાવત-જોધપુર, જ્યોતિરાદિત્ય સિંધિયા – ગુના, સપા નેતા ડિમ્પલ યાદવ-મૈનપુરી અને ટીએમસીના શત્રુધ્નસિંહા-આસનસોલ સમાવેશ થાય છે.
પરાજિત અગ્રણી ઉમેદવારોમાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા-ખુંટી, સ્મૃતિ ઇરાની-અમેઠી, નેશનલ કોન્ફરન્સ નેતા ઓમર અબદુલ્લા-બારામુલા અને પીડીપી નેતા મહેબુબા મુફ્તિ-અનંતનાગનો સમાવેશ થાય છે.
ભાજપે પાંચ રાજ્યોમાં તમામ લોકસભા બેઠક કબ્જે કરી છે, જેમાં દિલ્હીની સાત, ઉત્તરાખંડની પાંચ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ચાર-ચાર અને ત્રિપુરાની બે બેઠકોનો સમાવેશ થાય છે. જો કે, સૌથી વધુ 80 બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશમાં એનડીએને ફટકો પડ્યો છે. ભાજપને 33, જ્યારે સમાજવાદી પાર્ટીને 37, કોંગ્રેસને 6અને રાષ્ટ્રીય લોકદળને બે બેઠક મળી છે.
વારાણસી બેઠક પરથી પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કોંગ્રેસના અજય રાય સામે 1 લાખ બાવન હજાર મતોથી જીત્યા છે. તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પર 3 લાખ 64 હજાર અને રાયબરેલી બેઠક પર ત્રણ લાખ 90 હજાર મતોથી વિજય મેળવ્યો છે. સપાના અખિલેશ યાદવ કનૌજમાં એક લાખ સીત્તેર હજારથી વધુ મતોથી જીત્યા છે.
ભાજપના અન્ય વિજેતાઓમાં ગૌતમ બુધ્ધનગરથી ડો. મહેશ શર્મા, પિલિભિતથી જિતિન પ્રસાદ, મેરઠથી અરૂણ ગોવિલ, મથુરાથી હેમા માલિની, અને ગોરખપુરથી રવિ કિશનનો સમાવેશ થાય છે.
ભાજપનાં સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક પર કોંગ્રેસના કિશોરીલાલ શર્મા સામે હારી ગયા છે. ભાજપના અન્ય નેતા મેનકા ગાંધી પણ સુલતાનપુર બેઠક પર સપાના રામભુઆલ નિશાદ સામે 43 હજાર મતોથી હારી ગયા છે. સપ
કોંગ્રેસનાં નેતા શશી થરૂરે થિરુવનંતપુરમ બેઠક પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને 16 હજારથી વધુ મતોથી પરાજય આપ્યો છે. કોંગ્રેસના કે સી વેણુગોપાલ અલપ્પુઝા બેઠક પરથી જીત્યા છે.
લોકસભાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીની પણ ગણતરી પણ થઈ છે. આંધ્રપ્રદેશ વિધાનસભાની કુલ 175 બેઠકોમાંથી ટીડીપી. 135, જનસેના પાર્ટી .21, ભાજપ 8 અને YSRCP 11 બેઠકો જીતી છે. જ્યારે ઓડિશા વિધાનસભાની 147 બેઠકોમાંથી ભાજપ 78 બીજુ જનતા દળ 51, કોંગ્રેસ 14, અને અપક્ષો ત્રણ બેઠક પર વિજયી થયા છે.
બિહારમાં તમામ 40 બેઠકો પર પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ અને જેડીયુ બંનેએ 12-12 બેઠકો મેળવી છે. ભાજપના અગ્રણી વિજેતામાં ગિરિરાજ સિંહ, રાધામોહન સિંહ, રવિશંકર પ્રસાદનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસના અગ્રણી વિજેતાઓમાં મનોજ કુમાર, તારિક અનવર અને મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે. લોક જનશક્તિ (પાસવાન) પાંચ, આરજેડી ચાર અને કોંગ્રેસને ત્રણ બેઠક પર વિજય મેળવ્યો છે. પૂર્ણિયા બેઠક પરથી પપ્પુ યાદવ અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી બન્યા છે.
દિલ્હીમાં સાતેય બેઠક ભાજપને મળી છે. નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ જીત્યા છે. તો મનોજ તિવારીએ કોંગ્રેસના કનૈયા કુમારને 38 હજાર મતોથી હરાવ્યા છે.
પંજાબની 13 બેઠકોમાંથી કોંગ્રેસને સાત, આમ આદમી પાર્ટીને ત્રણ, શિરોમણિ અકાલી દળને એક અને અપક્ષોને બે બેઠકો મળી છે. હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને પાંચ પાંચ બેઠકો મળી છે. ચંદીગઢમાં કોંગ્રેસના નેતા મનિષ તિવારી જીત્યા છે.
જમ્મુ કાશ્મીરની પાંચ બેઠકોમાંથી ભાજપ અને નેશનલ કોન્ફરન્સ બંનેને 2-2 બેઠકો મળી છે. ભૂતપુર્વ મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાને બારામુલા બેઠક પર અપક્ષ ઉમેદવાર એન્જિનિયર શેખ રશીદે હરાવ્યા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ ઉધમપુર બેઠક પરથી જીત્યા છે. હિમાચલ પ્રદેશથી કેન્દ્રીય નેતા અનુરાગ ઠાકુર અને અભિનેત્રી કંગના રણૌત જીત્યા છે.
રાજસ્થાનમા 25માંથી ભાજપને 14 અને કોંગ્રેસને આઠ બેઠક મળી છે.
મહારાષ્ટ્રમાં 48 બેઠકોમાંથી ભાજપને 9, કોંગ્રેસને 13, શિવસેના (ઉધ્ધવ જૂથ)ને 9, શિવસેના (શિંદે જૂથ)ને સાત, એનસીપી (પવાર)ને આઠ બેઠક મળી છે. જ્યારે એનસીપી અને અપક્ષને એક-એક બેઠક મળી છે
ગોવાની બે બેઠકમાંથી દક્ષિણ ગોવામાં કોંગ્રેસ અને ઉત્તર ગોવામાં ભાજપનો વિજય થયો છે. મધ્યપ્રદેશમાં તમામ 29 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે.
છત્તીસગઢમાં ભાજપને 10 બેઠકો પર અને કોંગ્રેસને માત્ર એક બેઠક વિજય મેળવ્યો છે. ભાજપના સંતોષ પાંડેએ ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલને રાજનંદગાવ બેઠક પરથી હરાવ્યા છે. ઓડિશામાં ભાજપે 20 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી છે, જ્યારે શાસક બીજેડી એક પણ બેઠક મેળવી શકી નથી.
ઝારખંડમાં 14 બેઠકોમાંથી ભાજપને આઠ, એજેએસયુને એક, જેએમએમને ત્રણ અને કોંગ્રેસને બે બેઠક મળી છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા ખુંટી બેઠક પરથી હારી ગયા છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસનો 28 બેઠક પરથી વિજય થયો છે. પક્ષના અગ્રણી વિજેતાઓમાં અભિષેક બેનરજી, કિર્તી આઝાદ અને શત્રુધ્નસિંહાનો સમાવેશ થાય છે. ભાજપનો 12 બેઠક પર વિજય થયો છે.
આસામમાં ભાજપને નવ બેઠક મળી છે, જેમાં કેન્દ્રીય નેતા સર્વાનંદ સોનોવાલ દિબ્રુગઢ બેઠક પરથી બે લાખ 79 હજાર મતોથી જીત્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ નવી દિલ્હીમાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળે તેવી સંભાવના છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકનું વડપણ સંભાળશે અને કેન્દ્રીય નેતાઓ તેમાં હાજરી આપશે.