રાજકોટના TRP ગેમઝોન દુર્ઘટના મામલે થયેલી સુઓમોટો અરજી અંગે વડી અદાલતમાં આજે સુનાવણી.
રાજકોટના TRP ગેમઝોન દુર્ઘટના મામલે થયેલી સુઓમોટો અરજી અંગે વડી અદાલતમાં આજે સુનાવણી.
રાજ્યની વડી અદાલતે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગની ઘટના અંગે સુઓમોટો અરજી દાખલ કરી છે. વડી અદાલતે આ અકસ્માતને માનવસર્જિત ઘટના ગણાવી છે અને કહ્યું છે કે, આયોજકોની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.
તેમની ખંડપીઠે રાજકોટ, વડોદરા, સુરત અને મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને આજે સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે. ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાને પૂછ્યું હતું કે, તેઓએ આ ગેમિંગ ઝોનને ચલાવવા માટે કાયદાની કઈ જોગવાઈ હેઠળ મંજૂરી આપી છે. ખંડપીઠે કહ્યું કે, ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.
વડી અદાલય અને સર્વોચ્ચ અદાલતે અગ્નિસુરક્ષા મુદ્દે અલગ-અલગ અરજીઓ પર સૂચનાઓ આપી છે, છતાં આવી ઘટનાઓ બની રહી છે. ટીઆરપી ગેમ ઝોન પાસે અગ્નિસુરક્ષા “ના વાંધાપ્રમાણપત્ર” નથી. ગુજરાત હાઈકૉર્ટ એડવોકેટ એસોસિએશનના વડા બ્રિજેશ ત્રિવેદીએ સિટીંગ જજ દ્વારા આ મામલાની તપાસની માગ કરી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. તમામ મૃતકના મૃતદેહના DNA મૃતકોના પરિવારજનોના DNA સાથે મેચ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.