યાત્રાધામ અંબાજી ખાતે ધોધમાર વરસાદ સાથે કરાં પડ્યા

યાત્રાધામ અંબાજી ખાતે ધોધમાર વરસાદ સાથે કરાં પડ્યા

હવામાન વિભાગની આગાહી મુજબ, સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ધોધમાર વરસાદ સાથે કરાં પડ્યા હતા. અહીં વરસાદના કારણે અંબાજીનો મુખ્ય હાઈવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં મંગળવારે ફરી ગાજવીજ સાથે વરસાદ પડતાં ચોટીલા તાલુકાના મોકાસર ગામમાં રહેતા બે લોકોના વિજળી પડવાથી મૃત્યુ નીપજ્યા હતા.
રાજ્યમાં ગઈ કાલે પણ કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા.. જેમાં કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો.. અહીં અબડાસા, નખત્રાણા અને ભચાઉ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોના મોટી વિરાણા જેવા ગામમાં વરસાદ વરસ્યો હતો… જ્યારે નખત્રાણા-ભુજ હાઈવે પર નખત્રાણા બસ સ્ટેશન પાસે વોકળામાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે માર્ગની બંને તરફ વાહનચાલકો અટવાઈ ગયા હતા.
સુરેન્દ્રનગરમાં પણ ગાજવીજ સાથે પડેલા વરસાદે ઠંડક પ્રસરાવી હતી.. જ્યારે ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો હતો. ડાંગના પૂર્વપટ્ટી સહિત જિલ્લાના આહવા, ચિકટિયા, સૂકમાળ, ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, ચીખલી, બોરખલ તેમ જ મહારાષ્ટ્રનાં સરહદીય પંથકોમાં વિજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો..
આ વરસાદના કારણે ડાંગના ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદના કારણે સાપુતારા સહિતના જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહ્લાદક બની ગયું હતું. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલનાં પગલે વાતાવરણમાં શીતલહેર વ્યાપી જતા પ્રવાસીઓને પણ આનંદ આવ્યો હતો. વલસાડ અને રાજકોટમાં પણ ભારે વરસાદના અહેવાલ મળ્યા હતા.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!