બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: જીલ્લામાં 83 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: જીલ્લામાં 83 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલ દ્વારા વિદ્યાર્થીઓ ને અવકારવામાં આવ્યા
શાંત ચિત્તે, ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા પરિક્ષાર્થીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ
(માહિતી બ્યુરો,પાલનપુર)
સમગ્ર ગુજરાત સાથે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જે આગામી 26 માર્ચ સુધી ચાલશે. વિદ્યાર્થીઓ ભય મુક્ત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આજે પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ પાલનપુર શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમને શાંતચિત્તે કોઈપણ જાતના ડર કે ડિપ્રેશન વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ચિંતામુક્ત વાતાવરણમાં સમગ્ર પરીક્ષા પુરી થાય એવી શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેશભાઈ પટેલે પરીક્ષાલક્ષી વ્યવસ્થા અને આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્ય શિક્ષણ બોર્ડ, જિલ્લા વહીવટ તંત્ર અને પોલીસતંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય એ માટે સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. તેમ જણાવી સૌનો આભાર માન્યો હતો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાઓની શુભકામનાઓ પાઠવી હતી.
ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની માનસી ચૌધરીએ ખુશી સાથે પરીક્ષાની તૈયારી ખૂબ સરસ કરી છે. કલેક્ટરશ્રીએ અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા એ બદલ આભાર માન્યો હતો. તેમજ કોઈપણ ચિંતા વગર પોતે પરીક્ષા આપવા આવી હોવાનું જણાવ્યું હતું. કલેક્ટર શ્રી દ્વારા ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓ ને અવકારવામાં આવ્યા એનાથી ડિપ્રેશન અને તનાવ ઓછો થયો હોવાનું જણાવી તેમજ હકારાત્મક અનુભૂતિ થઈ હોવાનું જણાવી પરીક્ષા માટે સજ્જ હોવાનું કહ્યું હતું.
જીલ્લામાં ૮૩૬૩૭ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
બનાસકાંઠામાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામા જિલ્લામા ધો.૧૦ માં ૪૯,૯૭૭ અને ધો, ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૭, ૮૭૦ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમા ૫૭૯૦ મળી કુલ ૮૩,૬૩૭ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. વિધાર્થીઓ નિર્ભયતાથી, આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તે માટે પાણી, વીજળી, આરોગ્ય અને પરિવહનની વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્રની માહિતી દરેક પરિક્ષાર્થીને મળી રહે એ માટે કયું આર કોડ સાથેની પરીક્ષા સેન્ટરની યાદી, પરીક્ષા સેન્ટર પર મેડિકલ સુવિધા માટે હેલ્થ વર્કર મુકવા તેમજ ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી મૂકી જવા માટે ઈમરજન્સી નંબર ૧૦૦ પર કોલ કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તેમજ છબરડા વિના પરીક્ષા કરાવવા માટે પોલીસકર્મીની તૈનાત કરવામાં આવ્યા છે. તો તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે