ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું લોકપર્ણ કરાયું

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી બસોને પ્રસ્થાન કરાવ્યું

સીમા પરથી એક સાથે 100 નવીન બસોનું લોકાર્પણએ અલૌકિક ઘટના:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

ગામે ગામ બસની કનેક્ટિવિટી વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ:-ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

અત્યાર સુધીમાં રાજ્યમાં 14 લોકાર્પણ સમારોહ દ્વારા 1725 નવીન બસોની સુવિધાનો લાભ નાગરિકોને મળ્યો છે

(માહિતી બ્યુરો, પાલનપુર)

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોનો 14મો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે 100 નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અધ્યક્ષશ્રી તેમજ ગૃહમંત્રીશ્રીએ આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટ થી સુઈગામ સુધી મુસાફરી કરી હતી. આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના 20,000 નાગરિકોની સુવિધામાં વધારો થશે. તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદ્રઢ અને સુવિધાયુક્ત બનશે.

રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. “સલામત સવારી એસ ટી અમારી” આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે. રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસ.ટી ની સુવિધા સરળતાથી પહોંચી શકે એ માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 14 મહિનામાં 14 લોકાપર્ણ કાર્યક્રમ દ્વારા 1725 નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સીમાવર્તી નડાબેટથી શરૂ થયેલ નવીન 100 બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે.

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાપર્ણ કરતાં જણાવ્યું કે મેં મારા જીવનમાં આવું દ્રશ્ય કયારેય જોયું નથી. ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એક સાથે 100 નવીન બસોનું લોકાર્પણએ અલૌકિક ઘટના છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી આજે નડાબેટ આખા દેશનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ હમેશાં બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યો છે. તેને પ્રાધાન્ય આપ્યું છે. તો રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ચિંતિત અને પ્રતિબદ્ધ છે. અધ્યક્ષશ્રીએ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો બનાસવાસીઓ વતી આભાર માન્યો હતો. સલામત સવારી એસ ટી અમારી આજે વધુ સુવિધાયુક્ત બની છે. એસ ટી સ્ટોપ આજે એરપોર્ટ જેવા બન્યા છે. સમગ્ર એસ.ટી તંત્રમાં બદલાવ આવ્યો છે. જેના લીધે ખોટ કરતું એસ.ટી તંત્ર આજે નફો કરતું થયું છે.

આ પ્રસંગે ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સીમાવર્તી ગામોના લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતાં જણાવ્યું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે કે, ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે 100 નવી બસોના લોકાપર્ણનો અવસર બન્યો હોય. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે. જેના લીધે જિલ્લાના સરહદી અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી એસ.ટી ની સુવિધા પહોંચી છે. રાજ્યમાં દરરોજ 27 લાખ યાત્રિકો એક સ્થળે થી બીજા સ્થળે પહોંચવા એસ.ટી બસની સુવિધાનો ઉપયોગ કરે છે. આગામી સમયમાં આ સેવામાં વધારો થશે અને રોજના 30 લાખ યાત્રિકો સુધી આ સેવા પહોંચવાની છે. ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને બસમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે જણાવ્યું કે આ બસોને સરકારી બસો નહિ પણ તમારૂ પોતાનું સાધન માની તેને સ્વચ્છ રાખજો. આ બસોથી આ વિસ્તારમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે. વેપાર ધંધા અને રોજગાર વધશે. તેમજ જિલ્લાનું પરિવહન માળખું સુદ્રઢ બનશે જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે.

આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલ, રાધનપુરના ધારાસભ્યશ્રી લવિંગજી સોલંકી, કડીના ધારાસભ્યશ્રી કરશનભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા, એસ.ટી.નિગમના વર્કસ મેનેજરશ્રી પી.એમ.પટેલ, પાલનપુર વિભાગીય નિયામકશ્રી કિરીટભાઇ ચોધરી, વિનુભાઈ ચોધરી, રઘુવિરસિંહ ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.





Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!