હિમાચલ પ્રદેશ : ભાજપના ૧૫ વિધાનસભ્યો સસ્પેન્ડ
હિમાચલ પ્રદેશ રાજ્યસભાની એક સીટ પર કોંગ્રેસની હાર પછી હવે રાજકીય તાપમાન વધી રહ્યું છે. CM સુખવિંદર સિંહ સુખુ પર સરકારને બચાવવાનું દબાણ વધી ગયું છે. સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા સત્ર શરૂ થતાં જ વિપક્ષના ૧૫ ભાજપના વિધાનસભ્યોને સ્પીકરે સસ્પેન્ડ કરી દીધા છે. હર્ષ મહાજન કહે છે કે કોંગ્રેસની સરકાર રાજ્યમાંથી જાય છે.
સ્પીકરે સસ્પેન્ડ કરેલા આ વિધાનસભ્યોમાં જયરામ ઠાકુર, વિપિન સિંહ પરમાર, રણધીર શર્મા, લોકેન્દ્ર કુમાર, વિનોદ કુમાર, હંસ રાજ. જનક રાજ, બલબીર વર્મા, ત્રિલોક જમ્વાલ, સુરેન્દ્ર શોરી, દીપ રાજ, પૂરન ઠાકુર, ઇન્દર સિંહ ગાંધી, દિલીપ ઠાકુર અને ઇન્દર સામેલ છે.
સરકારના મંત્રી અને ભૂતપૂર્વ CM વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે હવે પોતાની સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે CM પર મોટો આરોપ લગાવતાં કેબિનેટ મંત્રી પદથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં મારું આ સરકારમાં રહેવું યોગ્ય નથી. મેં નિર્ણય લીધો છે કે મેં મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે વિધાનસભ્યોની સાથે કયાંક ગેરવર્તણૂક થઈ છે. તેમનો અવાજ દબાવવાના પ્રયાસ થયા છે, જેને કારણે આજે આ હાલત છે. મને અપમાનિત કરવામાં આવ્યો હતો. મેં સતત આ મુદ્દાઓને પાર્ટીના નેતળત્વ સમક્ષ ઉઠાવ્યા હતા, પણ એને ધ્યાનમાં લેવામાં નહોતા આવ્યા, એમ તેમણે કહ્યું હતું.
બીજી બાજુ, સ્પીકરે ભાજપના ૧૫ વિધાનસભ્યોને સંસદની કાર્યવાહીથી સસ્પેંડ કર્યા છે. જેથી ભાજપના વિધાનસભ્યોએ રાજ્યપાલ પાસે મુલાકાત માટે સમય માગ્યો હતો. કોંગ્રેસ પાર્ટીનાં નેતા પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશની સ્થિતિને લઈને કોંગ્રેષાધ્યક્ષ મલ્લિકાર્જુ ન ખડગેથી વાતચીત કરી હતી.