અર્ધાંગિની એ પાળ્યું સાતમું વચન! હ્રદય , બંને કિડની અને લીવરનું દાન મળ્યું
અર્ધાંગિની એ પાળ્યું સાતમું વચન!
બ્રેઇનડેડ પતિના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યું
બનાસકાંઠા થી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રસરી ૧૪૪ મા અંગદાનની મ્હેંક
માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયેલ રમેશભાઇ શ્રીમાળીના ધર્મપત્નીએ અંગદાનનો નિર્ણય કરીને ચાર લોકોની જીંદગી ખુશહાલ કરી
હ્રદય , બંને કિડની અને લીવરનું દાન મળ્યું
હ્રદયને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, કિડની અને લીવરને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું
બે સંતાનોની માતા, રમેશભાઇના ધર્મપત્ની અને શ્રીમાળી પરિવારના વહુ એ અંગદાનનો નિર્ણય કરીને નારી તું નારાયણીની પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી – ડૉ. રાકેશ જોષી, સિવિલ સુપ્રીટેન્ડન્ટ
મા અંબાની ઘન્ય ધરા બનાસકાંઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૪મા અંગદાનની મ્હેક પ્રસરાઇ છે. સિવિલ હોસ્પિટલનું ૧૪૪મું અંગદાન “નારી તું નારાયણી , તું જ આ સંસારની જીવનદાતા છે, તારા થી જ આ સમગ્ર સૃષ્ટિ છે” પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતો કિસ્સો છે. નારી એ ત્યાગ અને સમર્પણની મૂરત છે જેનો બ્રેઇનડેડ રમેશભાઇના ધર્મપત્ની ભારતી બહેને સાક્ષાત્કાર કરાવ્યો છે.
સમગ્ર વિગતો એવી છે કે, બનાસકાંઠાનાં કાંકરેજ તાલુકાના રેનવા ગામના રહેવાસી અને ગાંધીધામ , કચ્છ માં કામ અર્થે રહેતા રમેશભાઇ શ્રીમાળીને ગાંધીધામ ખાતે બાઈક સ્લીપ થઇ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.
પરિણામે પ્રાથમિક સારવાર અર્થે તેઓને ગાંધીધામ લઇ જવામાં આવ્યા. ઇજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તેઓને ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા. સારવાર દરમ્યાન તબીબોએ ૨૦ ફેબ્રુઆરીના રોજ તેઓન બ્રેઈન ડેડ જાહેર કર્યા.
બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ ડૉક્ટર્સની ટીમ દ્વારા રમેશ ભાઇનાં પરિવારજનો અને ધર્મ પત્ની ભારતી બહેનને સમજાવવામાં આવ્યા.
મારા પતી હવે આ દુનિયામાં નથી પરંતુ તેઓના અંગોના દાન થકી જો કોઇ જરૂરિયાતમંદને નવજીવન મળતું હોય, તેના જીવનમાં ખુશહાલી આવતી હોય તો જરૂરથી આ અંગદાનનો પવિત્ર નિર્ણય હું કરીશ. આ ઉમદા ભાવ સાથે ભારતી બહેને અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.
સતયુગ માં સાવિત્રી એ યમરાજ સાથે બાથ ભીડીને પોતાના પતિને પુન:ર્જીવિત કર્યા હતા. આજે આઝાદીના અમૃતકાળમાં રમેશભાઇના પત્ની ભારતી બહેને પોતાના પતિના અંગોનું દાન કરીને અન્ય જીવમાં જીવંત કર્યા છે. જેને તેઓ જાણતા પણ નથી એવા કોઈ નાં માતા, પિતા, પતિ,પત્ની, ભાઇ, બહેનનો જીવનદીપ યમરાજ નાં હાથ માંથી પાછો અપાવી ફરી ઝળહળતો કરવાનું સત્કાર્ય ભારતીબહેને કર્યું છે.
અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. સમગ્ર પ્રક્રિયાના અંતે હ્રદય, બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
અંગદાનમાં મળેલા હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલ, લીવર તથા બંને કિડની અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે , બે સંતાનોની માતા, રમેશભાઇના ધર્મપત્ની અને શ્રીમાળી પરિવારના વહુ એ અંગદાનનો નિર્ણય કરીને નારી તુ નારાયણીની પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી છે. ભારતી બહેને તેમનાં પતિના અંગદાન થકી નારી એ ત્યાગ ની મુર્તિ અને સાક્ષાત નારાયણી છે તેનું સચોટ દૃષ્ટાંત પુરું પાડ્યું છે અને આપણા સમાજ ઉપર આવી નારી નાં બલિદાનનું ઋણ ખૂબ મોટું છે તેમ તેમણે જણાવ્યું હતું.