નાબાર્ડે નાણાકીય વર્ષ 2024-25 માં ગુજરાત માટે મહત્વાકાંક્ષી ₹3.53 લાખ કરોડની ધિરાણ ક્ષમતાનું અનાવરણ કર્યું
નાબાર્ડે નાણાકીય વર્ષ 2024-25 માં ગુજરાત માટે મહત્વાકાંક્ષી ₹3.53 લાખ કરોડની ધિરાણ ક્ષમતાનું અનાવરણ કર્યું.
ગુજરાતના મુખ્ય સચિવ, શ્રી રાજ કુમાર, IAS એ 15 ફેબ્રુઆરી, 2024ના રોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં, નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા અત્યંત અપેક્ષિત સ્ટેટ ફોકસ પેપર 2024-25નું અનાવરણ કર્યું હતું. નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વાર્ષિક દસ્તાવેજમાં ગુજરાત જેવા એક વાઇબ્રન્ટ રાજ્યમાં અગ્રતા ક્ષેત્રો માટે ₹3.53 લાખ કરોડની પ્રભાવશાળી ધિરાણ ક્ષમતા દર્શાવવામાં આવી છે.
આ પ્રસંગે શ્રી એ. કે. રાકેશ, IAS, અધિક મુખ્ય સચિવ, (ACS), ગુજરાત, વરિષ્ઠ બઁક અધિકારીઓ, બિન-સરકારી સંગઠનો અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યના વિવિધ વિભાગો, બેંકો અને હિસ્સેદારો સાથેના સહિયારા પ્રયાસથી તૈયાર થયેલ સ્ટેટ ફોકસ પેપર સમારોહનું મુખ્ય આકર્ષણ રહેતા વાતાવરણ ખુબજ ઉત્સાહ પૂર્ણ હતું.
નાબાર્ડના ઝીણવટભર્યા વિશ્લેષણમાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો માટે ₹1.42 લાખ કરોડ (40 ટકા), એમએસએમઇ ક્ષેત્ર માટે ₹1.80 લાખ કરોડ (51 ટકા) અને બાકીના 9 ટકાના ધિરાણની સંભવિતતા અન્ય અગ્રતા ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી હતી. આ દૂરંદેશી ધરાવતો દસ્તાવેજ માત્ર વર્તમાન ધિરાણ-શોષણ ક્ષમતાની રૂપરેખા જ નથી આપતો, પરંતુ વ્યૂહાત્મક ભાગીદારી અને નીતિગત હસ્તક્ષેપો દ્વારા તેને વધારવા માટેની વ્યૂહરચનાઓ પણ સૂચવે છે.
શ્રી રાજ કુમાર, IAS, મુખ્ય સચિવ, ગુજરાત સરકારે તેમના મુખ્ય વક્તવ્યમાં, ગુજરાત માટે સ્ટેટ ફોકસ પેપર 2024-25ના અનાવરણ પર, નાબાર્ડની અન્ય નોંધપાત્ર ગ્રામીણ વિકાસ પહેલ જેમ કે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ(PACS)ના કોમ્પ્યુટરાઇઝેશનની સાથે નાબાર્ડની પ્રશંસા કરી હતી. તેમના સંબોધનમાં, શ્રી રાજ કુમારે, બેંકરોને ખેડૂતોને નાના વેપારી સાહસો તરીકે જોવા અને રાજ્યના ખેડૂતોને તેમની સાહસિક કૌશલ્યમાં વધુ વિશ્વાસ મૂકીને ધિરાણ વધારવા પર ભાર મૂક્યો હતો. ગ્રામીણ ભારતની વિશ્વ બેંકના ભારતીયકૃત સંસ્કરણ તરીકે નાબાર્ડની પ્રશંસા કરતા, મુખ્ય સચિવે નાબાર્ડને રાષ્ટ્ર માટે ‘નોલેજ બેંક’ તરીકે વિકસાવવા વિનંતી કરી. તેમણે આ પ્રયાસમાં નાબાર્ડને રાજ્ય સરકારના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. શ્રી રાજ કુમારે ખેડૂતોના ક્ષમતા નિર્માણ માટે સરકારની યોજનાઓ સાથે નાબાર્ડના વિકાસલક્ષી યોજનાઓ વચ્ચે વધુ સંકલન કરવા માટે પણ આહ્વાન કર્યું હતું જેથી ખેડૂતો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ તેમના બજારનો વ્યાપ વધારી શકે.
શ્રી એ.કે. રાકેશ, IAS, અધિક મુખ્ય સચિવે નાબાર્ડના નાણાકીય વર્ષ 2024-25 માટે ગુજરાત માટે ₹3.53 લાખ કરોડની અગ્રતા ક્ષેત્રની ધિરાણ સંભવિતતાના અંદાજને ધ્યાનમાં રાખીને, બેંકરોને આ અંદાજિત ધિરાણ સંભવિતતા હાંસલ કરવા માટે પ્રયત્ન કરવા અપીલ કરી હતી. તેમણે નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલય દ્વારા રાજ્ય સરકાર સાથે મળીને કરેલ ગ્રામીણ સમૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવવાની પ્રશંસા કરી હતી. શ્રી એ.કે. રાકેશે બેંકર્સને ધિરાણ સહાય માટે કૃષિ-ઇનોવેશનને અનુકૂળ વિચારણા કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે રાજ્યમાં ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી વગેરેને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર સાથે નાબાર્ડના Rs. 26,000 કરોડનાં MOUની પણ પ્રશંસા કરી હતી.
શ્રી બી.કે. સિંઘલ, મુખ્ય મહાપ્રબંધક, નાબાર્ડ ગુજરાત ક્ષેત્રિય કાર્યાલયે તેમના સંબોધનમાં સર્વસમાવેશક વિકાસને ‘સબકા સાથ, સબકા વિકાસ’ને સહિયારા ધ્યેયના પાયાના સિદ્ધાંત તરીકે વર્ણવ્યું હતું. વધુમાં તેમણે રાજ્ય સરકાર અને અન્ય હિતધારકો સાથે નાબાર્ડની સતત જોડાણની પ્રશંસા કરી. ઉદાહરણ તરીકે ડિસેમ્બર 2023માં આયોજિત તેનામાં પ્રથમ પ્રકારની પ્રગતિશીલ ખેડૂત સિમ્પોઝિયમ ને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલની પ્રસ્તાવના તરીકે ઓળખાણ આપી. આ સિમ્પોઝિયમ કૃષિ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત ગ્રાસરૂટ ઇનોવેશન ઓગમેન્ટેશન નેટવર્ક (GIAN)ના સહયોગથી રાજ્યના નવીન ખેડૂતો અને કૃષિ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે યોજાઇ હતી.
નાબાર્ડની નોંધપાત્ર પહેલોમાં, શ્રી બી.કે. સિંઘલે PACS અને દૂધ મંડળીઓમાં માઇક્રો-એટીએમના પ્રમોશન પર નાબાર્ડના પાયલોટ પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી, જે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો દ્વારા ગુજરાત રાજ્ય સહકારી બેંકના સહયોગથી અમલમાં આવી રહી છે. આ યોજના “સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર”નું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાના ભાગ રૂપે ચંદ્રનગર PACS ખાતે અનાજ સંગ્રહના માળખાકીય વિકાસની પ્રશંસનીય પ્રગતિ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ડિજિટલ મંડીનો પ્રચાર વગેરે જેવી અન્ય મહત્વપૂર્ણ કાર્યો વિષે માહિતી આપી હતી.
અંતમાં શ્રી બી.કે. સિંઘલે બેન્કરોને રાજ્યની અંદર કૃષિ ધિરાણની અસમાનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેને દૂર કરવા માટે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત પ્રદેશમાં નાબાર્ડ, ગુજરાત સરકાર અને બેન્કર્સ વચ્ચે વધુ સંકલન માટે આહવાન કર્યું હતું.
નાબાર્ડ ગુજરાત ક્ષેત્રિય કાર્યાલય ના જનરલ મેનેજર શ્રીમતી નિધિ શર્માએ 2024-25 દરમિયાન ગુજરાતની બેંકિંગ પ્રોફાઇલ અને રાજ્ય માટે અનુમાનિત અગ્રતા ક્ષેત્રની ધિરાણ સંભવિતતાની વ્યાપક ઝાંખી પૂરી પાડી હતી. તેણીએ ગુજરાતમાં નાબાર્ડના પ્રભાવશાળી હસ્તક્ષેપો, જેમ કે 48,000 થી વધુ આદિવાસી પરિવારોને સમર્થન આપતા બગીચાના વિકાસ, 44,000 જેટલા ગ્રામીણ પરિવારોને આવરી લેતા વોટરશેડ વિકાસ, 300 FPOની રચના અને પ્રમોશન ઉપરાંત, નાબાર્ડની પહેલો, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, નાણાકીય માળખાને પ્રોત્સાહન આપવા માટે નાબાર્ડની પહેલની જાણકારી આપી. રાજ્યમાં ટકાઉ ગ્રામીણ વિકાસ અને ધિરાણ વિતરણને પ્રોત્સાહન આપવા માટે ભૌગોલિક સંકેતો, કૌશલ્ય પ્રશિક્ષણ અને સહકારી ક્ષેત્રની સહાયની માહિતી આપી.