ગીર સોમનાથ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

ગીર સોમનાથ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલશ્રીએ સંબોધનને બદલે પારસ્પરિક સંવાદ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની વિસ્તૃત સમજ આપી

જન્મદિવસ તેમજ વર્ષગાંઠ જેવા અવસરે એક વૃક્ષ અવશ્ય વાવીએ

ગીર સોમનાથ, તા.૧૫: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો, શાળાના શિક્ષકો અને યોગ શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તેવા હેતુથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં રાજ્યપાલશ્રીએ સંબોધનને બદલે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપી હતી.

 

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો-ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. 24% જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. આ પરિવર્તનના કારણે દિવાળીમાં વરસાદ થઈ રહ્યો છે. ગત વર્ષો દરમિયાન ગીર-સોમનાથ જિલ્લામાં બે વાવાઝોડા આવ્યા હતા ગીર-સોમનાથવાસીઓ તેના સાક્ષી છે. તમિલનાડુમાં દોઢ મહિના પહેલાં એક જ દિવસમાં આખી સીઝનનું પાણી પડ્યું હતું. આ બધું શા માટે થઈ રહ્યું છે? આ તમામ એટલા માટે થઈ રહ્યું છે કે આપણે વાતાવરણ દૂષિત કરી નાખ્યું છે. ધરતીનું તાપમાન દોઢ ડિગ્રી વધી ગયું છે. એક ડિગ્રી તાપમાન વધશે તો ખેતરમાં લાખો કરોડો ટન અનાજનું ઉત્પાદન ઓછું થઈ જશે.

 

આ બધા વચ્ચે જો આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સારો સ્વસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. આ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન દ્વારા જ મળશે. જંગલમાં જે વૃક્ષો હોય છે, તેમાં તમામ પ્રકારના ખનીજતત્વો હોય છે. કુદરતી રીતે જ તેમાં તમામ પ્રકારના તત્વો ઉમેરાય છે. આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં અને આપણા ખેતઉત્પાદનમાં ઉમેરાય તે અંગેનું અભિયાન આપણે ચલાવી રહ્યાં છીએ. આ પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે. તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજયપાલશ્રીએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, જ્યાં બીમારી હશે ત્યાં જ કમજોરી આવશે. બીમારી નબળાને જ પકડે છે. આથી આપણે આપણા ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા જ રહ્યાં.

જૈવિક -ઑર્ગેનિક કૃષિમાં છાણિયું ખાતર વાપરવાથી નાઈટ્રોજન અને મિથેન ગેસ વધે છે. કાર્બન ડાયોક્સાઈડ એ વૃક્ષોનો ખોરાક છે અને ઓક્સિજન એ આપણો ખોરાક છે ત્યારે વાતાવરણને બચાવવા માટે આપણે આપણા જન્મદિવસ કે વર્ષગાંઠના અવસરોએ એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને આ વૃક્ષનું ત્રણ વર્ષ સુધી જતન સંવર્ધન થાય તે માટે કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ આ વૃક્ષ આપણને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન સાચવશે. વૃક્ષ વાવવું એ ઈશ્વરિય કાર્ય છે અને તેનાથી મોટી કોઈ ઈશ્વરભક્તિ નથી. તેમ જણાવી તેમણે આવનારી પેઢી માટે તે મોટો ઉપકાર હશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 

જ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતભાઈઓની ગ્રંથી હોય છે કે વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે પરંતુ હકીકતમાં તેનાથી વિપરિત થઈ રહ્યું છે. આગામી સમયમાં સારા સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવી ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે ગૌ આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.

 

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો, એફપીઓ તથા મોડલ ફાર્મના ૧૦ જેટલા સ્ટોલની રાજ્યપાલશ્રીએ પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, રાજ્યપાલશ્રી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચલાવ્યું છે. તેને ગીર-સોમનાથ જિલ્લો આગળ લઈ જશે.

રાજ્યપાલશ્રીનું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટ્રી નિદર્શિત કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, આત્મા ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી પ્રકાશભાઈ રબારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી સુકાન્તકુમાર સેનાપતિ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારના વૈજ્ઞાનિક શ્રી રમેશભાઈ રાઠોડ, આત્મા, સુરેન્દ્રનગર પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી.એ.પટેલ, તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો, યોગશિક્ષકો, સખીમંડળની બહેનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!