અયોધ્યાના રામમંદિરના દર્શને જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ
રામ ભક્તોને અયોધ્યા ખાતે નવનિર્મિત રામમંદિરના દર્શને લઈ જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનનું પાલનપુર ખાતેથી રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
(માહિતી બ્યુરો, પાલનપુર)
અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે આસ્થા સ્પેશ્યલ ટ્રેનને રાત્રે ૧૧:૫૫ કલાકે પાલનપુર રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠાના અંદાજિત ૧૩૦૦ કરતા વધારે યાત્રાળુઓને આસ્થા સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામમંદિરના દર્શને લઈ જવા નીકળતા સમગ્ર રેલ્વે સ્ટેશન શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અયોધ્યા જતાં યાત્રાળુઓ આ જ ટ્રેન દ્વારા ભગવાન શ્રીરામના દર્શન કરીને પાછા ફરશે. આ સ્પેશ્યલ ટ્રેનમાં યાત્રાળુઓને આઇડી કાર્ડ, ટિકિટ, મુસાફર કીટ, જમવાનું, નાસ્તો, પાણી, સ્વાસ્થ્ય, સુરક્ષા તથા દરેક કોચમાં એક-એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા જતા ભક્તોની યાત્રા ફળદાયી, લાભદાયી અને સુખદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૫૦૦ વર્ષની રામમંદિરની આપણી પ્રતીક્ષા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂર્ણ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રામભક્તોને આ સ્પેશ્યલ ટ્રેન દ્વારા પ્રસ્થાન કરાવતા ધન્યતા અનુભવુ છું.
આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરે અયોધ્યા ખાતે દર્શને જતાં સૌ રામભક્તોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરતાં રામરાજ્યનો નવો યુગ શરૂ થયો છે.
આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદશ્રી દિનેશચંદ્ર અનાવાડીયાએ જણાવ્યું હતું કે વર્ષોથી હિન્દુ આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ આપણા વડાપ્રધાનશ્રી મોદી સાહેબના કર કમલો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે થઈ રહ્યું છે અને દેશમાંથી કરોડો ભક્તો જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાંથી પણ હજારો લોકો ભગવાન શ્રી રામના દર્શને જઈ રહ્યા છે. તમણે સર્વેની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સમગ્ર બનાસકાંઠા વતી પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે સૌની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામમંદિરનું નિર્માણ થતા આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે. આ રામ મંદિરનું નિર્માણ એ કોઈ ઈમારતનું નહીં પરંતુ રામરાજ્યનું નિર્માણ થઈ રહ્યું છે.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી નંદાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રેખાબેન ખાણેશા, આસ્થા સ્પેશ્યલ ટ્રેનના ઉત્તર ઝોન ઇન્ચાર્જશ્રી ભરતભાઈ આર્ય સહિત પદાધિકારીઓ, રેલવેના ઉચ્ચ અધિકારીઓ, પાલનપુર નગરપાલિકા પ્રમુખશ્રી ચીમનભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા