ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

મુખ્ય અતિથિશ્રી અનિલ ઠાકુર,આઈ.જી. ફ્રન્ટીયર, હેડ ક્વાર્ટરના હસ્તે દીપ પ્રાગટય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો

16 દેશોના 42 પતંગબાજ, 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો

ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે, જેને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે: મુખ્ય અતિથિશ્રી અનિલ ઠાકુર

(માહિતી બ્યુરો, પાલનપુર)

ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ સીમા દર્શન નડાબેટ ખાતે 12 મી જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિશ્રી અનિલ ઠાકુર, આઈ.જી., ફ્રન્ટીયર, હેડ ક્વાર્ટર, ગુજરાત સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલ દેશ-વિદેશના પતંગબાજોનું બનાસકાંઠાના પરંપરાગત નૃત્ય મેરાયો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.જ્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પતંગબાજોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકતાં મુખ્ય અતિથિશ્રી અનિલ ઠાકુર, આઈ.જી., ફ્રન્ટીયર, હેડ ક્વાર્ટર, ગુજરાત એ જણાવ્યું હતું કે, આ ગર્વ અને આનંદની ક્ષણ છે, ઉત્તરાયણ ગુજરાતી તહેવાર છે. જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્લોબલ ઓળખ આપી છે. ઉત્તરાયણનું મહત્વ મકરસંક્રાંતિ તરીકે સૂર્યદેવ સાથે પણ જોડાયેલું છે. અને તહેવારમાં તલ, લાડુ, ચીકી ખાવાની પણ પરંપરા છે. ગુજરાતમાં 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે બોર્ડર વિસ્તાર નડાબેટમાં આયોજિત પતંગ મહોત્સવની અનેરી ખુશી છે. નડાબેટનો ભવ્ય ભૂતકાળ છે એમ જણાવી સૌને પતંગ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેહરિન, કોલંબિયા, હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મડાગાસ્કર, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, રશિયા, સાઉદી અરેબિયા, સ્લોવેકીયા, શ્રીલંકા, યુ.એસ.એ સહિતના 16 દેશોના 42 પતંગબાજ, ભારતના કેરાલા, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, તેલંગણા સહિતના 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ પતંગવીરોના વિવિધ આકાર, કદ અને રંગબેરંગી પતંગો સહિત ” આઈ લવ મોદી” પતંગે લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. પતંગ મહોત્સવને નિહાળવા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અને શાળાના બાળકો ઉમટી પડ્યા હતા. જેમણે પતંગબાજોને ચિયર્સ અપ કરી ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેકટરશ્રી કાર્તિક જીવાણી, સેક્ટર કમાન્ડન્ટ શાહુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા, સુશ્રી નિમિતા ઠાકુર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.કે ગઢવી, આર.એફ.ઓ શ્રી ચેતનસિંહ ભરાડા, બી.એસ.એફ 194 બટાલિયન કમાન્ડન્ટ, આસી.કમાન્ડન્ટ, બી.એસ.એફ 21 બટાલિયન ડેપ્યુટી કમાન્ડન્ટ સહિત જવાનો, પોલીસ કર્મચારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!