મારૂ વ્યક્તિત્વ, મારૂ સપનું મારા હાથમાં
મારૂ વ્યક્તિત્વ, મારૂ સપનું મારા હાથમાં
સૌથી પહેલા મારા સૌ મિત્રોને 2024 નવા વર્ષની શુભકામનાઓ. આજનો મારો લેખ તમારી જિંદગીમાં નવી આશાનું એક નવું કિરણ, નવી ખુશીઓ લઈને આવશે અને તમને આ લેખથી કઈક શીખવા મળશે એ આશયથી તમારી સામે મારા અનુભવો શેર કરી રહી છું.
હમણાં જ તાજેતરમાં એક સમારોહમાં એક અંકલ-આંટીને મળવાનું થયું જેઓ અમારા ઘરની નજીક આજથી 20 વર્ષ પહેલા રહેતા હતા. ઘણો સુખી પરિવાર. એક દીકરી એક દીકરો. દીકરો અભ્યાસની સાથે જોબ કરતો હતો, દીકરીને ભણવામાં મન નહતું લાગતું. માંડ 10 સુધી ભણી. મને કોલેજમાંથી આવતા –જતાં જોઈ હર રોજ એની મમ્મી મને કહેતી કે અમારે તો ગૌરી ભણતી જ નથી, ભણવાનું કહીએ એટ્લે એનું દિમાગ બંધ થઈ જાય છે.માથે પડી છે. અમારે શું એની જિંદગીમાં દુખી થશે!…જોડે એના પાપા સૂર પુરાવતાં બોલે દુ:ખી થશે દુ:ખી.
આજે વર્ષો પછી એમને મળીને જય શ્રી કૃષ્ણ કહ્યું.એમના દીકરા-દીકરીના સમાચાર પૂછ્યા. તો તેઓ રડવા લાગ્યા અને કહ્યું કે દીકરો તો સુખી છે પરંતુ દીકરી ધાબા પરથી પડી જતાં 9 વર્ષથી પથારીમાં છે. તેણીના લગ્ન કર્યા હતા પણ તે એડજસ્ટ નહતી કરી શકી એટલે છૂટું કરેલ જેના કારણે અમારી સાથે રહેતી હતી. તેની સારવારમાં 10-15 લાખ ખર્ચ્યા પરંતુ કોઈ ફાયદો ના થયો. પેહલા પણ માથે પડી હતી અને અત્યારે પણ! (વર્ષો પહેલાના મને એમના શબ્દો યાદ આવ્યા, જે તેઓ એમની દીકરી માટે બોલતા હતા.)
હા તમે સાચું ઈમેજિન કર્યું કે કદી કોઈના વિષે કે પોતાના માટે ખોટા શબ્દો ના બોલવાં જોઈએ કે ના વિચારવું જોઈએ. કારણ કે આપણે જે આપણાં માટે કે અન્યો માટે બોલીએ છીએ અને વારંવાર કોઈ વ્યક્તિની સામે બોલીએ ત્યારે તેનું કે આપણું સબ કોન્સિયસ માઇન્ડ તે સ્વીકારી લે છે અને તે રીતે કાર્ય કરવા લાગે છે.
તમે ઘણા ને જોયા કે સાંભળ્યા હશે કે તેઓ સતત નકારાત્મક શબ્દો જ બોલતા હોય છે, આ નહીં થાય આ નહીં બની શકે, આ કામ અશક્ય છે. જોખમ છે. તમે કહેશો કે મારે કરવું હતું અને આ વ્યક્તિએ મને ટોક્યો મારૂ કામ બગડી ગયું. ત્યારે તમને તે વ્યક્તિથી દૂર જવાનું મન થાય છે કે તેના માટે અણગમો આવે છે. જ્યારે તમારા પર એ વ્યક્તિનો વધારે પ્રભાવ હશે તો તેના બોલાયેલા શબ્દો તમારા પર અસર કરશે. તમને એવો ભાવ થાય છે કે તમે પણ એના જેવા બની ગયા છો.
સબકોન્સિયસ માઇન્ડ જે તમારા શરીરની સિસ્ટમને નિયંત્રિત કરે છે. જે લાંબાગાળાની સ્મૃતિ તરીકે તમારા શબ્દોને, લાગણીઓને, ટેવોને, સંબંધોને, વ્યસન, અનૈચ્છિક શારીરિક કાર્યો, સરજનશીલતા આધ્યાત્મિકતા વગેરે સાથે જોડાયેલુ છે અને તમારું શરીર પછી તે રીતે કાર્ય કરવા લાગે છે. તમે ઘણા એવા લોકને જોયા હશે કે તેઓ બધુ ભૂલી ગયા છે,પરંતુ તેઓ જે કામને પસંદ કરતાં હતા કે તેમની આદત/ ટેવ હતી તેવા અમુક કાર્યો કરતાં હોય છે. જેમકે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું,પુજા કરવી વગેરે જેવા કાર્યો. આપણું સબકોન્સિયસ માઇન્ડ એટલું બધુ પાવરફૂલ છે કે તમે સતત જે કાર્યો કે વાતો (શબ્દો) બોલતા હશો તે રીતે કાર્ય કરવા લાગશે. એટ્લે એવા વ્યક્તિની સંગત કરો કે સાંભળો જે તમારા માટે હકારાત્મક શબ્દો બોલે છે કે વલણ ધરાવે છે.
જે લોકો સફળ હોય છે તે લોકોને તમે જોશો કે તેમનામા હકારાત્મકતા જોવા મળશે. તમને તેવા લોકો એક પણ નકારાત્મક શબ્દ પોતાના માટે નથી સાંભળતા કે નથી બોલતા. સફળ લોકોને સતત તમે સાંભળ્યા હશે કે થઈ જશે, કરી લઈશું, હું જીતી જઈશ, હું પ્રયત્ન જરૂર કરીશ કે હું સફળતા મેળવી શકું. એવું બોલતા સાંભળ્યા હશે. તમને એવા પણ અનુભવો થયા હશે કે જે વ્યક્તિ વર્ષો પહેલા જે ખાલી-ખાલી બોલતા હતા તે વર્તમાનમાં સાચું બન્યું.તમારે જે બનવું છે સતત બોલો તમારી અને અન્યો સામે. તમે એવું ફિલ કરો કે તમે એવા બની ગયા છો. તમે જોશો કે થોડા સમયમાં તમે એ પ્રાપ્ત કરી શકશો.
બસ, કહેવું તો ઘણું છે પરંતુ પેજ લિમિટના કારણે મારી વાત ને અહિયાં જ વિરામ આપું છું અને દોસ્તો કહેવાનો મતલબ ફક્ત એટલો જ કે તમારા માટે અને અન્યો માટે સતત સારા શબ્દો બોલો અને વિચારો. તમે જેના માટે જેવુ વિચારો છો તે વ્યક્તિ તે રીતે વર્તન અને વ્યવહાર કરવા લાગે છે. તમને કોઈ વ્યક્તિમાં હમેશા ખરાબી દેખાય છે તો તમે કદી એની સારી બાજુ નહીં જોઈ શકો અને તમને એ વ્યક્તિ કદી પણ નહી ગમે. એટ્લે બધાને સારા સમજો અને સારું વિચારો તમારી સાથે કોઈ ખરાબ નહીં કરી શકે અને બધા તમને ગમતા વ્યક્તિ હશે. જે તમારા જેવા હશે.
તમારા પ્રતિસાદ મને અહિયાં મોકલી આપો.
Jitalsolanki1309@gmail.com