સોળગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા કન્યા કેળવણી રથ ૧૮ દિવસ પરિભ્રમણ કરીને પાલનપુર પરત ફરતાં વધામણાં કરાયા.
સોળગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા કન્યા કેળવણી રથ ૧૮ દિવસ પરિભ્રમણ કરીને પાલનપુર પરત ફરતાં વધામણાં કરાયા.
દીકરીઓને વાર્ષિક ફક્ત રૂ. 30 માં 11-12 સાયન્સ ભણાવવામાં આવે છે..
પવન એક્સપ્રેસ
કોઈએ સાચું જ કહ્યું છે કે, એક પુરુષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો માત્ર તે એકલો જ ઉપયોગી બને છે પરંતુ, એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબને સુદ્ઢ બનાવે છે. આમ આજના યુગમાં દીકરીઓની કેળવણીનું અનેરુ મહત્વ છે. જો દીકરીઓને ઉચ્ચ કેળવણી આપવામાં આવે તો વધુ સમજદાર પુત્રીઓ, પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ મળી શકે તેમ છે.
દીકરીઓને પાલનપુર બેઠા ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા શુભાશય સાથે સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સૌપ્રથમવાર કન્યા કેળવણી રથનું આયોજન કરવામાં આવ્યું હતું.
લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ અને દીર્ઘદ્રષ્ટા રમેશભાઇ પટેલ સહિત તમામ ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ દિકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની નેમ લઈને એમની ચિંતા આ લેઉવા પાટીદાર સમાજે કરી શુભ વિચારો સાથે સમાજ દ્વારા માં ખોડલના કન્યા કેળવણી રથનો શુભારંભ વરાણા થી માં ખોડીયાર નાં આશીર્વાદ લઈને ને કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વસ્તિક હાઈસ્કૂલમાં ધો.૧૧-૧૨ સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતી દિકરીઓને ફકત ૩૦ રૂ. જેટલી નજીવી ફી માં શિક્ષણ અપાય છે. સાથે સ્વસ્તિક મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે 249 કરતા વધુ દીકરીઓ સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહી છે. આ દીકરીઓનું ઉજવળ ભવિષ્ય થાય અને કોલેજનું વિશાળ ભવન તૈયાર થાય એવા આશય સાથે આ કન્યા કેળવણી રથ લેઉવા પાટીદાર સમાજના ૧૬ ગામોમાં પરીભ્રમણ કરી અંદાજીત રૂ. ૧૦ કરોડ થી વધુનું દાન એકત્ર કરીને આજ રોજ પાલનપુર ખાતે પરત ફર્યો હતો.
લેઉવા પાટીદાર સમાજના સોળ ગામ માં ગામે ગામ ગયેલ આ રથને દરેક ગામની દીકરીઓ દ્વારા હરખથી સામૈયું કરી રથને ભાવભરીને વધાવવામાં આવતો હતો. તદઉપરાંત, દરેક ગામમાં તે ગામના દાતાઓ દ્વારા આરતી, રાસ ગરબા સહિત ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન પણ કરવામાં આવતું હતું.આ કન્યા કેળવણી રથમાં સોળ ગામના લેઉવા પાટીદાર સમાજ, સમાજના આગેવાનો, અન્ય સમાજના ગ્રામજનો સહિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાલમંદિર થી કોલેજ સુધીનો તમામ સ્ટાફનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કન્યા કેળવણી રથના ભવ્ય આયોજન બદલ અને દીકરીઓ માટે ચિંતા કરવા બદલ સમાજના પ્રમુખ રમેશભાઇ પટેલ ને દરેક ગામની દીકરીઓ અને ગામની માતાઓ દ્વારા આશીર્વાદ આપવામાં આવતા હતા.
આજ રોજ કન્યા કેળવણી રથ પાલનપુર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે પરત ફરતાં હરખથી વધામણાં કરવામાં આવ્યા હતાં. મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ દ્વારા આ કન્યા કેળવણી રથને સફળ બનાવવા બદલ લેઉવા પાટીદાર સમાજ,અન્ય સમાજ અને સાથે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ