રામપુર વડલા નજીક બાઈક સવાર લૂંટારુઓ એક જ રાતમાં બે લૂંટ કરી
પાલનપુર તાલુકાના રામપુર વડલા ગામની સીમમાં બાઈક પર સવાર અજાણ્યા લૂંટારુઓ એક જ રાતમાં બે અલગ અલગ જગ્યાએ લૂંટ કરીને બાઈક સહિત રોકડ મળી બે લાખ સાત હજારની લૂંટી કરી ફરાર થઈ ગયા હતા.
અમીરગઢના સરોત્રા ગામના આદેશસિંહ જયેન્દ્રસિંહ ડાભી તેના સસરાનાં ગામ હસનપુર જવા માટે કિડોતર ગામના મિત્ર વિદેશસિંહ કિરણસિંહ ડાભી તથા કલ્પેશસિંહ દિનેશસિંહ ડાભીને સાથે લઈ બાઇક લઈ કીડોતર થી ઈકબાલગઢ થઈ વડલા રામપુરા ગામે રાત્રે આવ્યા હતા. રોડ પર બાઈક ઊભું કરીને હેડપંપ પર પાણી પીતા હતા ત્યારે ચિત્રાસણી બાજુથી બે બાઇક પર ચાર અજાણ્યા માણસો હાથમાં લોખંડની પાઇપ અને ધારીયુ લઈને ત્રણેયને અપશબ્દો બોલી માર મારી વિદેશસિંહના ખિસ્સામાંથી રૂપિયા 2000 રોકડા તથા રૂપિયા 10 હજારનો મોબાઇલ, કલ્પેશસિંહ lના ખિસ્સામાંથી 1500 રૂપીયા રોકડા તથા 10 હજારનો મોબાઇલ જ્યારે આદેશસિંહના ખિસ્સામાંથી 1500 રૂપીયા રોકડા, 5 હજારનો મોબાઇલ અને 80 હજારનું હિરો સ્પેલેન્ડર મળી 1, 00,500 ની લૂંટ કરી જતા રહ્યા હતા. કોઈક રીતે 108 બોલાવીને આદેશસિંહ તથા કલ્પેશસિંહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.તે જ રાત્રીએ ખેમરાજીયા ગામના વાલાભાઈ નાનાભાઈ ડામોર, મુકેશભાઈ નાનાભાઈ ડામોર, દિનેશભાઈ ખેમાભાઈ ડામોર અને રણાભાઇ મનસાભાઈ ગમારને પણ રામપુરા વડલા ગામની સીમમાં નદીના કાંઠે બાઈક પર ચાર અજાણ્યા શખસોએ હાથમાં લોખંડની પાઇપ અને ધારીર્યું લઈને માર મારતા ચારે જણ બાઈક મૂકીને ઘેર તરફ નાસી ગયા હતા. આમ એક જ રાતે રામપુરા વડલા ગામની સીમમાંથી કુલ બે લાખ સાત હજારની લૂંટની ફરિયાદ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.