આગામી તા. ૧૫ ના રોજ યાત્રાધામ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે
આગામી તા. ૧૫ ના રોજ યાત્રાધામ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે
આઠ રથો સાથે સરકારશ્રીની ૧૭ જેટલી યોજનાઓના લાભો પહોંચાડવાનું તંત્રનું વિશેષ આયોજનઃ આ યાત્રા જિલ્લાની ૯૬૬ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે
વિકસીત ભારત સંકલ્પ યાત્રાના આયોજન માટે પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
આગામી તા.૧૫ નવેમ્બર, ભાઇબીજના દિવસે યાત્રાધામ અંબાજી ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. સરકારશ્રીની પ્રજા કલ્યાણકારી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અનુસૂચિત જાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ દિવસ અને બાકીના વિસ્તારમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે, સરકારશ્રીની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો લાભાર્થીઓના ઘર ઘર સુધી પહોંચાડવા માટે જિલ્લામાં આગામી તા. ૧૫ નવેમ્બર-૨૦૨૩ થી તા. ૨૫ જાન્યુઆરી-૨૦૨૪ સુધી એટલે કે અઢી મહિના સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને આઠ આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ, વિકસીત ભારતના સંકલ્પ લેવડાવવા સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. ગામેગામ આ યાત્રાનું સ્વાગત અને લાભાર્થીઓની સફળવાર્તા સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજપુરાએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૧૫ નવેમ્બરથી આ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા જિલ્લાની ૯૬૬ ગ્રામ પંચાયતોમાં પરિભ્રમણ કરશે અને રોજના બે ગામોમાં રોકાણ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. પરિભ્રમણના રૂટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટરસુશ્રી આર.એન.પંડ્યા, નાયબ વન સંરક્ષકશ્રી પી.જે.ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ સહિતના અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.