મહેસાણાની ગેલેક્ષી હાર્ટ હોસ્પિ.ને 3.79 લાખ પેનલ્ટી, PMJAYમાંથી 3 માસ માટે સસ્પેન્ડ
મહેસાણાની ગેલેક્ષી હાર્ટ હોસ્પિટલ વિરુદ્ધ દર્દીઓએ કરેલી રજૂઆતોના પગલે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા હોસ્પિટલમાં કરાયેલી તપાસમાં PMJAY યોજનાના લાભાર્થી દર્દીઓ પાસેથી વિવિધ રિપોર્ટ, ડિપોઝીટ, પ્રોસીજર ચાર્જ વસૂલ કરાયો હોવાનું ખુલતાં હોસ્પિટલને PMJAY યોજનામાંથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરીને રૂ.૩.૭૯ લાખની પેનલ્ટી ફટકારાતાં દર્દીઓ પાસે લૂંટ ચલાવતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. સરકારની પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને વાર્ષિક રૂ.૧૦ લાખ સુધીની નિયત કરેલી પ્રાથમિક, સેકન્ડરી તેમજ ટર્શરી બિમારીઓ માટે કેશલેસ સારવાર મળવાપાત્ર છે. આ યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોમાં લાભાર્થીઓને સારવાર આપવામાં આવે છે. મહેસાણાના એસટી વર્કશોપ રોડ પર હબટાઉનમાં આવેલી ગેલેક્ષી હાર્ટ હોસ્પિટલ પણ આ યોજના સાથે જોડાયેલી છે, પરંતુ યોજનાના લાભાર્થી દર્દીઓ પાસે વિવિધ પ્રકારના ચાર્જ પેટે નાણાં વસૂલાતાં હોવાની ફરિયાદો ઉઠી હતી. PMJAYના લાભાર્થી તરીકે આ હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની ફરિયાદના પગલે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) તેમજ મહેસાણાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે તા.૧૯-૦૯-૨0૨૩ના રોજ ગેલેક્ષી હાર્ટ હોસ્પિટલની મુલાકાત લઈ તપાસ કરી હતી. જેમાં છ દર્દીઓ પાસેથી તા.૯ થી ૧૧ સપ્ટેમ્બરના ત્રણ દિવસમાં જ આ હોસ્પિટલમાં સારવાર લેનારા PMJAY યોજનાના લાભાર્થીઓને કેશલેશ સેવા આપવાના બદલે દર્દીઓ પાસેથી લોહીના રિપોર્ટ, દવાઓ, ડિપોઝીટ ચાર્જ, પ્રોસીજર ચાર્જ વગેરે પેટે હોસ્પિટલે નાણાં વસૂલ્યાં હોવાનું ખુલ્યું હતું. ઉપરાંત આરોગ્ય તબીબી સેવાઓ કચેરી દ્વારા અગાઉ આ હોસ્પિટલની લીધેલી મુલાકાત દરમિયાન પણ મનીચાર્જીંગના કેસ મળ્યા હતા તેમજ લોકો સાથે કરેલી વાતથી પણ આ હોસ્પિટલ વિરુદ્ધ મનીચાર્જીંગની ફરિયાદ મળી હતી. જેથી આ છ લાભાર્થીઓના હોસ્પિટલે મુકેલા કેસ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા રિજેક્ટ કરવામાં આવશે અને હોસ્પિટલને ત્રણ મહિના માટે આ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે તેવો આદેશ અધિક નિયામક આરોગ્ય તબીબી સેવાઓ, ગાંધીગનર દ્વારા કરાયો છે. ત્રણ મહિનાનો સમય પૂરો થયા બાદ ટીમ હોસ્પિટલની મુલાકાત લેશે અને યોગ્ય જણાશે તો સ્પષ્ટ અભિપ્રાય સાથે તબીબી સેવાઓની કચેરીએ મોકલશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.
ઉપરાંત હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી ગંભીર ક્ષતિઓને ધ્યાને લઈ યોજનાની માર્ગદર્શિકા મુજબ લાભાર્થીઓના હિત માટે પેનલ્ટીની રકમ ૭ દિવસમાં યોજનાના બેન્ક ખાતામાં જમા કરવા અને ઉપરોક્ત ઘટનાનું પુનરાવર્તન ન કરવાની હોસ્પિટલને તાકીદ કરાઈ છે. તેમજ જો ઉપરોક્ત ઘટનાનું પુનરાવર્તન થશે તો આ હોસ્પિટલને ડિએમ્પેલ/બ્લેકલીસ્ટ કરવામાં આવશે તેવી જાણ ધરાવતું જ્યુડિશિકેશન પેપર પર લખાણ પણ હોસ્પિટલ પાસે લેવાશે. સાત દિવસમાં પેનલ્ટીની રકમ ભરવામાં નહીં આવે તો હોસ્પિટલ સામે કાયદેસરનાં કડક પગલાં લેવાશે તેવી તાકીદ પણ કરાઈ છે.