ગોવા ખાતે થર્ડ વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ યોજાઇ.
ગોવા ખાતે થર્ડ વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ યોજાઇ.
તા.૨૫/૦૮/૨૦૨૩ થી તા.૨૭/૦૮/૨૦૨૩ સુધી શ્રી મનોહર પારિકર ઇન્ડોર સ્ટેડિયમ, મડગાંવ (ગોવા) ખાતે વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિયેશન દ્વારા આયોજીત ‘‘ત્રીજી વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ-૨૦૨૩’’ ટુર્નામેન્ટ યોજાયેલ. જેમાં ભારતના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા એ રીતેના કુલ-૬ (છ) રાજ્યોના આશરે એક હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.
જેમાં બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતેથી આશરે ૨૨ જેટલા સ્પર્ધકોનો સમાવેશ થયેલ. આ ટુર્નામેન્ટમાં કરાટેમાં બ્રાઉન બેલ્ટ ધરાવતા બનાસકાંઠા જીલ્લાના સરહદી સુઇગામ તાલુકાના લીંબાળા ગામના વતની અને શ્રી કે.બી. કરણાવત પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે ધોરણ-૫ માં અભ્યાસ કરતા હર્ષિલ શૈલેષભાઇ લુવા નું Under-9 Years Age ગૃપ માં સિલેક્શન થયેલ હતું. હર્ષિલ દ્વારા આ ત્રીજી વેસ્ટ ઝોન કરાટે ટુર્નામેન્ટમાં તેના હરીફ સ્પર્ધકોની સામે ખૂબ જ સારૂ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરતાં બ્રોન્ઝ મેડલ વિજેતા થયેલ છે.
હર્ષિલ તથા તેના મોટાભાઇ જયદેવ શૈલેષભાઇ લુવા પણ બ્રાઉન બેલ્ટ ધરાવે છે અને તે પણ શ્રી કે.બી. કરણાવત પ્રા.શાળા, પાલનપુર ખાતે ધોરણ-૮ માં અભ્યાસ કરે છે. તેઓ બંન્ને છેલ્લા ત્રણેક વર્ષથી પાલનપુર મુકામે તેમના કરાટે કોચ સેન્સાઇ શ્રી જયેશભાઇ પ્રજાપતિ તથા સેમ્પાઇ શ્રી વિવેક પ્રણામી દ્વારા કરાટેની તાલીમ મેળવી રહેલ છે. હર્ષિલ દ્વારા કરાટેની રમતમાં જીલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ અત્યાર સુધીમાં ગોલ્ડ મેડલ-૨, સિલ્વર મેડલ-૧, બ્રોન્ઝ મેડલ-૫ મળી કુલ-૮ ચંદ્રક તેમજ તેના મોટાભાઇ જયદેવ ને અત્યાર સુધી ગોલ્ડ મેડલ-૩, સિલ્વર મેડલ-૧, બ્રોન્ઝ મેડલ-૧ મળી કુલ-૫ ચંદ્રક મેળવેલ છે. જેમના પિતા શૈલેષભાઇ લુવા પાલનપુર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને તેઓ પણ જીલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિના સેમિનારોનું ખૂબ જ સુંદર આયોજન કરે છે તથા તેમની માતા સંગીતાબેને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલ છે અને ગૃહિણી તરીકે તેઓ બંન્ને બાળકોને શિક્ષણ ઉપરાંત વિવિધ રમતોમાં પારંગત થવાની સાથે સંસ્કાર સિંચન દ્વારા જીવન ઘડતરનું કાર્ય કરે છે. કહેવાય છે કે,‘‘મોરનાં ઇંડાંને ચિતરવાં ના પડે’’ એ કહેવતને સાર્થક કરતા બંન્ને કરાટે બંધુઓ પોલીસ હેડ ક્વાર્ટર, પાલનપુર ખાતે રહીને હવે કરાટે માં બ્લેક બેલ્ટ મેળવવાની તૈયારીઓ કરી રહ્યા છે.
ગોવા ખાતે યોજાયેલ થર્ડ વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ-૨૦૨૩ ટુર્નામેન્ટમાં હર્ષિલ લુવા ને બ્રોન્ઝ મેડલ મળતાં શાળા પરિવાર તેમજ પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને પોતાને મળેલ સફળતાનો શ્રેય તેમના બંન્ને કોચને આભારી હોવાનું જણાવ્યુ હતું.
ભીખાલાલ પ્રજાપતિ