રાંધણ ગેસ સિલિન્ડર 200 રૂપિયા સસ્તો થયો રક્ષાબંધન પહેલા મહિલાઓને સરકારની ભેટ
રાંધણ ગેસ સિલિન્ડર 200 રૂપિયા સસ્તો થયો:સરકારની રક્ષાબંધન પહેલા મહિલાઓને ભેટ; 75 લાખ નવાં ઉજ્જવલા કનેક્શનનું વિતરણ કરશે
કેન્દ્ર સરકારે મંગળવારે ઘરેલુ ગેસ-સિલિન્ડર (14.2 કિગ્રા)ના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સાથે હવે દિલ્હીમાં કિંમત 1103 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા, ભોપાલમાં 908 રૂપિયા, જયપુરમાં 906 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમત 30 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસથી લાગુ થશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે પીએમ મોદીએ ઓણમ અને રક્ષાબંધનના તહેવાર પર ભાવમાં ઘટાડો કરીને બહેનોને મોટી ભેટ આપી છે. દેશના 33 કરોડ ગ્રાહકોને તેનો લાભ મળશે. આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2023-24માં સરકાર પર 7,680 કરોડનો બોજ પડશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરકાર 75 લાખ નવાં ઉજ્જવલા કનેક્શનનું વિતરણ કરશે.