દિયોદર ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ
દિયોદર ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ
આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી, એના કણ કણમાં શૂરવિરતા, સાહસ અને સમર્પણની ગાથા છે: —મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
મંત્રીશ્રી:-
“મારી માટી, મારો દેશ” અભિયાન હેઠળ દેશનાં તમામ ગામોની માટી એકઠી કરીને રાજધાની દિલ્હીના કર્તવ્યપથ પર “અમૃત મહોત્સવ સ્મારક” તેમજ ‘અમૃતવાટિકા”નું નિર્માણ કરાશે
ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધી રહ્યા છે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા માટે સરકાર આગળ વધી રહી છે ત્યારે આવનારા દિવસોમાં ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનશે
દૂધ સંપાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાને છે. બનાસકાંઠાનું મધ એક્સપોર્ટ થઇ રહ્યું છે
(માહિતી બ્યુરો, પાલપુર)
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાં સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ધ્વજવંદન કરી જિલ્લાકક્ષાના ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે “મેરી મિટ્ટી, મેરા દેશ” કાર્યક્રમ અન્વયે મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો સહિત નાગરિકોએ હાથમાં પવિત્ર માટી લઈ ગુલામીની માનસિકતા ત્યજી વર્ષ-2047 સુધીમાં ભરતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત શહીદ વીર જવાનોના પરિવારજનોનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પસંગે મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી, એના કણ કણમાં શૂરવિરતા, સાહસ અને સમર્પણની ગાથા છે. તેમણે કહ્યું કે, તા. ૯ ઓગસ્ટથી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે માટીને નમન, વીરોને વંદન સાથે માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવાનાં આ અભિયાનમાં સામેલ થઈને આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિને યાદગાર બનાવીએ.
મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનના કારણે આપણને મળેલી મહામૂલી આઝાદી માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દેશભરનાં તમામ ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્યપથ સુધી લઈ જઈ “અમૃત મહોત્સવ સ્મારક” તેમજ ‘અમૃતવાટિકા”નું નિર્માણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં દેશમાં રેલ સેવાઓ સાંસકૃતિક પર્યટન અને તીર્થસ્થાનને જોડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે. જી-૨૦ના અદ્યક્ષપદ હેઠળ અત્યારે ગુજરાતમાં અને ભારતમાં યુવા સમિટ, મહિલા સમિટ અને શહેરી સમિટો યોજાઇ રહી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાતે હરણફાળ વિકાસ કર્યો છે. આ વર્ષે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3 લાખ કરોડથી વધુ રકમના બજેટની ફાળવણી કરીને પંચ સ્તંભ આધારીત ગુજરાતના વિકાસની નવી ભાષા અંકિત કરવામાં આવી છે. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અભિનંદન પાઠવતા કહ્યું કે ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ અપનાવવામાં આ જિલ્લાના ખેડૂતો પ્રથમ નંબરે છે. આ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે જેનાથી બાજરી, નાગલી, મકાઈ પકવતા ખેડૂતોને ફાયદો થશે અને બનાસકાંઠાની બાજરીની માંગ વધશે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતોને ડીએપી ખાતર સરળતાથી મળી રહે તે માટે કચ્છના ગાંધીધામ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે નેનો ડીએપી પ્લાન્ટનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. કલોલ ઇફકોમાં તૈયાર થયેલ નેનો ડીએપીને એક્સપોર્ટ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા માટે સરકાર આગળ વધી રહી છે ત્યારે આવનારા દિવસોમાં ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનશે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, સહકાર થી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા દેશમાં અલગ સહકારીતા મંત્રાલાય શરૂ કરવામાં આવ્યું છે. દૂધ સંપાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાને છે. બનાસકાંઠાનું મધ એક્સપોર્ટ થઇ રહ્યું છે. પશુપાલનના ધંધાના લીધે રાજ્યમાં સહકારી ક્ષેત્રનો અદ્ભૂત વિકાસ થયો છે. આજે 36 લાખ જેટલી બહેનો પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ રહી છે. તેમણે કહ્યું કે, રાજ્યના છેવાડાના માનવીની ચિંતા કરી દરેક નાગરિક સ્વસ્થ અને નિરોગી રહે એ માટે સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળની સહાય રૂ. 5 લાખથી વધારીને આપણે રૂ. 10 લાખ કરી છે. જનધન યોજના, વીજળી, ગેસનો ચૂલો આપી મહિલાઓને ધુમાડાથી મુક્તિ અપાવી છે.
મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના વિકાસની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટથી આ સરહદી જિલ્લાના વિકાસને વેગ મળ્યો છે તેવી જ રીતે યાત્રાધામ અંબાજીને ભવ્યાતિભવ્ય બનાવાનું આયોજન છે. તેમણે ઉમેર્યુ કે, ભારતની પ્રાચીન વિરાસતને ઉજાગર કરવા આપણી આસ્થાના કેન્દ્ર રામમંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 450 વર્ષ પછી પાવાગઢમાં ધજા ચડાવી પાવાગઢ મંદિરની કાયાપલટ કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ અને લોજિસ્ટિક્સમાં આપણુ ગુજરાત પ્રથમ સ્થાને છે
મંત્રીશ્રીએ કહ્યું કે બિપરજોય વાવાઝોડાના સમયે ગુજરાતે આગોતરુ સુદ્રઢ આયોજન કરીને આફતોનો મક્કમ મુકાબલો કર્યો છે. વિકાસની ગતિને આપણે અટકવા નથી દીધી, બલ્કે બમણી તાકાત સાથે વિકાસનો માર્ગે આગળ ધપાવ્યો છે. તેમણે ગુજરાતની ખુમારી, આફતોના મુકાબલા માટેની સજ્જતાની, સૌના સાથથી સૌનો વિકાસ કરવાની તમન્નાની અને ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાની પરિશ્રમયાત્રામાં જોડાવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. હર્ષ ધ્વનિ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શાળા બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી પ્રવિણભાઈ માળી, શ્રી માવજીભાઈ દેસાઈ, કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અ
ધિક કલેકટર સુશ્રી આર. એન. પંડ્યા, પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ, શ્રી શશીકાંતભાઈ પંડ્યા, શ્રી અનિલભાઈ માળી, શ્રી વસંતભાઈ ભટોળ, અગ્રણીઓ શ્રી સવશીભાઈ પટેલ, શ્રી ગોવાભાઈ રબારી, શ્રી ગિરિરાજસિંહ વાઘેલા, શ્રી બાબરાભાઈ ચૌધરી સહિત આગેવાનો, અધિકારીઓ, પોલીસના જવાનો, વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા