પાલનપુર ટાઉન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ
પાલનપુર ટાઉન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ
સેવા કેમ્પોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા પોર્ટલ શરૂ કરાશેઃ જેમાં સેવા કેમ્પ શરૂ કરવાની મંજૂરી, વાહન પાસ વગેરેની સુવિધા ઓનલાઇન પુરુ પાડવામાં આવશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
અરવલ્લીની ગિરિમાળાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. આ મહામેળામાં માઇભક્તોની સેવા માટે આવતા સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે પાલનપુર ટાઉન હોલ ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ મેળાના આયોજન માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ વિશે જાણકારી આપતા સેવા કેમ્પોના પ્રતિનિધિઓને જણાવ્યું કે, સેવા કેમ્પના આયોજકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેઓ સારી રીતે માઇભક્તોની સેવા કરી શકે તે માટે સેવા કેમ્પોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા પોર્ટલ શરૂ કરવામાં આવશે. જેમાં સેવા કેમ્પ શરૂ કરવાની મંજૂરી અને માર્ગદર્શક સૂચનાઓ ઓનલાઇન આપવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, સેવા કેમ્પો માટે એક કેમ્પ દીઠ ૨ વાહન પાસ પણ ઓનલાઇન આપવામાં આવશે. સેવા કેમ્પમાં યાત્રી સુવિધાઓ, પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્વચ્છતા, સુરક્ષા જેવી બાબતો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.