મનોઝીલ

કિરીટ એક ગામડામાં રહેતો પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરો હતો, જ્યારે એ છોકરી જોવા ગયો ( જે હાલમાં એની પત્ની છે) ત્યારે તે બધુ સાચું બોલ્યો પરંતુ કિરીટે એક વસ્તુ છુપાવી તેની બોલવાની શૈલી જે એકદમ ગ્રામ્ય વિસ્તારની હતી, પરંતુ છોકરી સામે તેણે શુધ્ધ ગુજરાતી બોલીને એને ઇમ્પ્રેસ કરી દીધી. એટ્લે શહેરની છોકરીએ લગ્ન માટે હા કહી દીધું છોકરીને લાગ્યું  કે છોકરો ભલે ગામડાનો છે પરંતુ તેની બોલવાની શૈલી સારી છે. હાલ લગ્નને વર્ષો થઈ ગયા પરંતુ તેની પત્નીને સતત એ દુખ રહે છે કે તેના પતિએ તેની મૂળ ભાષા શૈલી તેનાથી છુપાવી નહિતર એ લગ્ન ના કરતી. જેના કારણે તેમનું લગ્નજીવન એક છેતરપિંડી કરી હોવાના ભાવ સાથે સમાજના કારણે ટકી રહ્યો છે.

કામિની બેનની વ્યથા પણ આવી જ છે. કામિનીબેન 58 વર્ષના નિ:સંતાન મહિલા છે, પોતે ગાયનેકનો અભ્યાસ કરેલ હતો પરંતુ ફાઇનલ એક્ઝામ પાસ ના કરી શક્યા એટ્લે ગાયનેકની પદવી ના મેળવી શક્યા,, ! કામિની બેન ના જ્યારે લગ્ન નક્કી કરવાના હતા ત્યારે, તેમના ભાવિ પતિને  (જેઓ એક સાયકીયાટ્રીસ્ટ હતા) તેમને એવું કહેવામા આવ્યું હતું કે કામિનીબેને ગાયનેક કર્યું છે. તેમના લગ્ન થઈ ગયા. લગ્નના 26 વર્ષ પછી પણ તેમના પતિ તેમનો સ્વીકાર નથી કરી શક્યા. સતત તેમના પતિ તેમને કહે છે કે તારા ઘરવાળા એ મને છેતર્યો છે જૂઠું બોલીને લગ્ન કરાવી દીધા, સમાજના કારણે લગ્ન તો ટકી ગયું પરંતુ તેમના પતિ કામિની બેનને કદી દિલ થી સ્વીકારી નથી શક્યા..!

આવા તો ઘણા કિસ્સા આપણી આજુબાજુ કે સગા સંબંધી કે મિત્રોમાં જોયા હશે. કે લગ્ન કે પ્રેમ લગ્ન કરતા સમયે કે છોકરો કે છોકરી પક્ષના લગ્નમાં નાનું મોટું જૂઠું બોલીને લગ્ન કરાવી કે કરી લેતા હોય છે. અને એક જૂઠનાં ભાર નીચે પૂરી જિંદગી બે વ્યક્તિઓ ભેગા આ તકલીફ  ભોગવતા હોય છે, જેના કારણે તેઓ લગ્નજીવન દુ:ખમાં પસાર કરે છે. તેઓ એવું સમજે છે કે તેમને છેતરવામાં આવ્યા છે તેમની સાથે જૂઠું બોલીને લગ્ન કરવામાં આવ્યા છે.

હવે પ્રશ્ન એ થાય કે શું આ રીતે જૂઠું બોલી લગ્ન કે પ્રેમ લગ્ન કરવાં યોગ્ય છે? શું તમે જીંદગીભર જેની સાથે ખુશી થી વિતાવવા માગો છો એક જૂઠનાં સહારે વિતાવી શકશો? શું તમે પૂરી જિંદગી એની સામે માથું ઊંચું કરી એક છત નીચે વિતાવી શકશો ? શું એક સાચું બોલવાથી તમારું લગ્ન અટકી જતું કે બીજી કોઈ છોકરી કે છોકરો તમને નહીં મળે એવું હતું? શું તમારું એક સાચું બોલવું તમારી બધી સારાઈને નામશેષ કરી દેશે, એવો ડર હતો? જેના કારણે એક જૂઠું બોલવું શું યોગ્ય હતું?

ઉપરનાં બંને કેસમાં કામિની બેન અને કિરીટ બંને એક દુ:ખી લગ્નજીવનમાથી પસાર થઈ રહ્યા છે, જેમાં તેમના પાર્ટનર તેમને નફરત કરે છે કે તેઓ તેમની બોલવાની ભાષા શૈલી અને ડિગ્રી બાબતે જૂઠું બોલી તેમની સાથે લગ્ન કર્યા છે, જેના કારણે તેમના પાર્ટનર તેમની પર વિશ્વાસ નથી કરી શકતા! પ્રેમ લગ્ન પછી છોકરી ફરિયાદ કરે છે કે મને નહતી ખબર કે તેના પ્રેમી ને કોઈ વ્યસન હતું? અને તેનો પતિ એક ગરીબ વર્ગનો છે..! નહિતર એ લગ્ન નાં કરતી….

લગ્નજીવનની શરૂઆત જો જુઠાણાંથી જ થઈ હોય તો? જો ખરેખર તમે તમારા લગ્નજીવનને સુખી બનાવવા માગતા હોવ અને જે તમને પસંદ છે એની સાથે પૂરી જિંદગી વિતાવવાનું વિચારતા હોવ તો તેને તમારા વિષે તમારા પરિવાર વિષે સાચું કહો. જો એ ખરેખર તમારી સાથે જિંદગી પસાર કરવા તૈયાર હશે તો એ તમને કોઈ પણ પરિસ્થિતિમાં તમારો ખુલ્લા દિલ થી સ્વીકાર કરશે. પરંતુ એક વ્યક્તિને પામવાની ઘેલછામાં એની સાથે જૂઠું બોલવું તે કેટલી હદ સુધી યોગ્ય છે? કોઈ પણ સંબંધ એકબીજા પરના વિશ્વાસ અને માન સમ્માન સાથે વધારે મજબૂત થાય છે. એક વાર ગુમાવી ચૂકેલો વિશ્વાસ કદી પાછો નથી મળી શકતો. એટલે પરિસ્થિતી કોઈ પણ હોય કદી જુઠનો સહારો ના લેવો જોઈએ. એક જૂઠ તમારી પાસે બીજા હજાર જૂઠ બોલાવશે.

મંગળફેરાનું તાત્પર્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ હોઈ શકે. ગૃહસ્થ જીવનમાં ચારે પુરુષાર્થ પતિએ પત્નીની સાથે રહીને સિધ્ધ કરવાના છે. પતિ-પત્નીના મન-વચન-કર્મ એક બને એમાં જ દાંપત્યજીવનનું સાર્થક્ય રહેલું છે. દરેક ધર્મ અને જાતિમાં લગ્નનું એક ખાસ મહત્વ છે. જેની સાથે લગ્ન કરવાના હોય તેનું ફેમિલી બેક ગ્રાઉન્ડ, ઘરના પરિવારના લોકોનો ઈતિહાસ, આર્થિક –સામાજિક પરિસ્થિતી અને સાથે સાથે એકબીજાના વાણી વર્તન રહેણી કરણી જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવામા જોવામાં આવે છે. જિંદગીમાં આ પડાવ એક પરીક્ષા જેવો બની રહે છે તમારા સાચા–ખોટા નિર્ણય થી જિંદગી સ્વર્ગ પણ બની શકે છે અને નર્ક પણ…  લગ્ન એક સંસ્કાર છે, જેમાં સ્ત્રી અને પુરુષ એક બંધનમાં બંધાય છે પરંતુ જો બંધનની ગાંઠ જ જૂઠનાં દોરાથી બંધાયેલી હોય તો?

તમારા પ્રશ્નો અને સૂઝાવ મને મેઈલ કરો. Jitalsolanki1309@gamil.com

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!