જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં
જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં
નદી કિનારાના ગામોને એલર્ટ: નદી કિનારે આવેલ ગૌશાળાઓ તથા અસરગ્રસ્ત ગામોમાં તમામ પશુઓને સલામત સ્થળે ખસેડવા સૂચન
મેળા તથા ધાર્મિક સ્થળોએ વધુ પ્રમાણમાં મેદની એકત્ર થવાની સંભાવના હોય ત્યાં પોલીસ પોઇન્ટ
જાનહાનિ / માલ મિલ્કત કે અન્ય નુકશાનના સંજોગોમાં જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. ૦૨૭૪૨–૨૫૦૬૨૭ પર જાણ કરવી
(માહિતી બ્યુરો,પાલનપુર)
હવામાન વિભાગ દ્વારા તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા.૩૦/૦૮/૨૦૨૪ સુધી સમગ્ર ગુજરાત રાજયમાં તથા રાજસ્થાન રાજયમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન ફુંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા સંબધિત તમામ વિભાગોને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓને પરવાનગી સિવાય હેડકવાર્ટર નહી છોડવા સુચના આપવામાં આવેલ છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને તકેદારીના પગલાં લેવા માટે ખાસ સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એક એન.ડી.આર.એફ અને એક એસ.ડી.આર.એફ ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. ઉપરાંત જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, પી.જી.વી.સી.એલ., આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે.
વધુમાં જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા તમામ નાયબ કલેકટરશ્રી, તમામ લાયઝન અધિકારીશ્રી, મામલતદારશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને જરૂરી તકેદારી રાખવા તથા તાલુકામાં કોઈ જાનહાનિ / માલ મિલ્કત કે અન્ય નુકશાન થાય તો તાત્કાલીક સ્થળ તપાસ કરી સરકારશ્રીના નિયમોનુસાર કાર્યવાહી કરવી તથા જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. ૦૨૭૪૨–૨૫૦૬૨૭ પર જાણ કરવા તેમજ જિલ્લાના Flood-2024 ના ગૃપમાં મેસેજથી જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
વરસાદી આગાહી વચ્ચે હાલમાં તહેવારો ચાલતા હોઈ, મેળા તથા ધાર્મિક સ્થળોએ વધુ પ્રમાણમાં મેદની એકત્ર થવાની સંભાવના હોય તથા નદીઓમાં પણ પાણીનો વેગ વધવાની સંભાવના હોઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસને સાવચેતીના પગલાં રૂપે તમામ આવશ્યક સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની સૂચના જારી કરવામાં આવી છે.
રાજસ્થાન રાજયમાં પણ ભારે વરસાદની શક્યતા હોઈ રાજસ્થાનના સીરોહી અને ઝાલોર જિલ્લામાં પડેલ વરસાદનું પાણી બનાસ નદી અને રેલ નદીમાં પાણી વધવાની શકયતા હોઈ ભારે વરસાદને પગલે તમામ નીચાણવાળા વિસ્તારોના ગામો તથા ઝૂંપડપટ્ટીમાં તથા કાચા મકાનમાં રહેતા લોકોને ભારે વરસાદની પરિસ્થિતિમાં જરૂર પડે તો સલામત સ્થળે ખસેડી લેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવે છે.
ભારે વરસાદના કારણે દાંતીવાડા, સીપુ અને મોકતેશ્વર ડેમમાં વધુ પાણી ભરાવાના કારણે ડેમના દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉદભવે તો નદી કિનારાના ગામોને એલર્ટ કરવા સંબધિત વિભાગને સુચના આપવામાં આવી છે.
જિલ્લામાં સાવચેતીના પગલાંરૂપે પશુઓની સલામતી માટે જરૂર પડે તો નદી કિનારે આવેલ ગૌશાળાઓ તથા અસરગ્રસ્ત ગામોમાં તમામ પશુઓને સલામત સ્થળે ખસેડવા સૂચન કરવામાં આવે છે.