સાળવી પ્રાથમિક શાળા ખાતે સરસ્વતી વંદના સહિત માતૃ પિતૃ વંદન સમારોહ યોજાયો
સાળવી પ્રાથમિક શાળા ખાતે સરસ્વતી વંદના સહિત માતૃ પિતૃ વંદન સમારોહ યોજાયો
મહા સુદ પાંચમ નાં રોજ વસંત પંચમીએ બ્રહ્મા નાં માનસમાંથી ઉત્પન્ન થયેલ અને કલાની દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. વસંતઋતુ ની શરૂઆત નો આ પહેલો દિવસ પણ ગણાય છે.
આ સાથે મોડર્ન યુગના વિદ્યાર્થીઓમાં માતા પિતા પ્રત્યે આદર સન્માન ની લાગણી ના બીજ રોપાય એવી સુભાવના સાથે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસ.સી. સાળવી અને શ્રીમતી એમ.એસ. સાળવી પ્રાથમિક શાળા ખાતે વસંત પંચમી અને માતૃ પિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેવી સરસ્વતીનું મહાત્મય અને માતા પિતા પ્રત્યે સ્નેહ ભાવ જળવાય તેવી વાતો અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
આ વિશેષ પ્રસંગે પધારેલ વિદ્યાર્થીઓના માતા-પિતાઓને બાળકોએ કુમકુમ તિલક કરી, ચરણ પખાળી, વંદન વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલ માતા-પિતાઓએ બાળકોને પ્રગતિના આશીર્વાદ આપ્યા હતા. વાલી માતા- પિતાઓને સ્વસ્તિક પરિવાર તરફથી મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત , મહેશભાઈ પટેલ અને ઉપાચાર્ય રંજનબેન પટેલ દ્વારા સમગ્ર સ્ટાફ પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું એન્કરિંગ કલા શિક્ષક નયન ચત્રારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.