પાલખી યાત્રા અને શંખયાત્રા સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે પરિક્રમા પથ પર માઈભક્તોએ કર્યું પ્રયાણ
પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪”નો ધર્મમય માહોલમાં પ્રારંભ કરાવતા સાંસદશ્રી પરબતભાઇ પટેલ
પાલખી યાત્રા અને શંખયાત્રા સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને જય અંબેના જયઘોષ સાથે પરિક્રમા પથ પર માઈભક્તોએ કર્યું પ્રયાણ
એક જન્મમાં એક સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મનોરથ સાકાર થયો- સાંસદશ્રી પરબતભાઇ પટેલ
માઇભક્તો માટે તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરાયું છે- યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર.આર.રાવલ
(માહિતી બ્યુરો,પાલનપુર)
એક જન્મમાં એક સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મનોરથ આજે સાકાર થયો છે એમ જણાવતાં બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૬ મી ફેબ્રુઆરી સુધી “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું છે. જેના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદશ્રી પરબતભાઇ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલ, કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે, અંબાજી મંદિરના વહીવટદારસુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. જે નિમિતે સાંસદશ્રી પરબતભાઇ પટેલે શ્રી યંત્ર અને માતાજીની આરતી કરી માઇભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો છે. ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવએ આપણો ધાર્મિક ઉત્સવ છે. વહીવટ તંત્ર દ્વારા યાત્રિકો માટે પાંચ દિવસ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રિકોને લઈ જવા અને ઘરે સુધી હેમખેમ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે. મંદિરો એ આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર છે. અંબાજીમાં વર્ષે દહાડે લાખો માઇભક્તો આવે છે અને પોતાના મનોરથ પૂર્ણ કરે છે. વધુમાં સાંસદશ્રી જણાવ્યું કે આ યાત્રામાં કોઈને પણ તકલીફ ન પડે એ પ્રકારની સુવિધાઓ ઊભી કરાઈ છે જે બદલ યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપી સૌ માઇભકતો પર મા અંબાના આશીર્વાદ ઉતરે એવી પ્રાર્થના કરી હતી.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર. આર. રાવલે પાંચ દિવસીય મહોત્સવમાં કરાયેલ આયોજન અને વ્યવસ્થાઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં રહેવા, જમવા અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુંદર સુવિધાઓનું આયોજન કરાયું છે. રોજેરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે જેનો લાભ લેવા યાત્રિકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 62 કરોડના ખર્ચે ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો ભક્તો લઈ શકે એવું સુંદર આયોજન કર્યું છે ત્યારે જિલ્લા વહીવટ તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે આસ્થાને અનુરૂપ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેનો સૌ માઇભક્તો, ભાવિક શ્રદ્ધાળુઓને લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, પાંચ દિવસીય આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય એ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા, શંખનાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા, ચામરયાત્રા, ધ્વજા યાત્રા, મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને જ્યોત યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમજ આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭ કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધીશ્રીઓ, ભજનમંડળીઓ, સેવાભાવી સંસ્થાઓ અને મોટી સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા