વડગામ તાલુકાના પીલુચા ગામેથી મેમોગ્રાફી દ્વારા મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની તપાસણી શરુ કરાઈ
વડગામ તાલુકાના પીલુચા ગામેથી મેમોગ્રાફી દ્વારા મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની તપાસણી શરુ કરાઈ
૭૩ જેટલા દર્દીઓની તપાસણી અને ૧૦ જેટલી બહેનોની મેમોગ્રાફી તપાસ કરાઈ
માહિતી બ્યુરો પાલનપુર
બનાસડેરી અને શ્રી ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ દ્વારા જિલ્લામાં મેમોગ્રાફી વાનના લોકાર્પણ થકી મહિલાઓની આરોગ્ય સુખાકારી માટેની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક નવતર પહેલનો સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી કેન્સરના પહેલા સ્ટેજ સુધીમાં સમયસર સારવાર મળતાં માતા બહેનોને બચાવવાનું કામ થઈ શકશે.
જે અંતર્ગત બનાસ મેડીકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે.ચૌધરીની વિશેષ ઉપસ્થતિમાં પીલુચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બનાસડેરી, બનાસ મેડીકલ કોલેજ મોરિયા તપાસ કરવામાં આવી હતી. જેમાં સાંજ સુધીમાં ૭૩ જેટલા દર્દીઓની તપાસણી અને ૧૦ જેટલી મહિલાઓને બનાસ મેડીકલ કોલેજના મહિલા તબીબો અને નર્સિગ સ્ટાફની ટીમ દ્વારા મેમોગ્રાફી ની તપાસ કરવામાં આવી હતી. તેમજ મેમોગ્રાફ્રી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ચેરમેનશ્રી પી.જે.ચૌધરી એ જણાવ્યું હતું કે કોઈ પણ બેન દીકરી ને સ્તન કે ગર્ભાશયનું કેન્સર હોય તો શરમ અને સંકોચના લીધે પરિવારમાં જાણ કરતા નથી, જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી દુખ સહન કર્યા રાખે છે અને તકલીફ થાય ત્યારે ડોક્ટરને બતાવે ત્યારે એ સમયે ઘણું મોડું થઈ ગયું હોય છે. એ સમયે એ બહેન દીકરીને બચાવી શકાતી નથી. જે બેહન દીકરીનું કેન્સરના કારણે નિદાનના થવાને લીધે મોત થઈ જાય ત્યારે આખો પરિવાર નોંધારો બની જાય છે. આ પરિસ્થિતિ ન સર્જાય એ માટે મેમોગ્રાફી વાન ગામડે ગામડે જઇ મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરશે. આ સુવિધાથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘર આંગણે મળી શકશે.
આ પ્રસંગે બનાસડેરીના બોર્ડ ડાયરેક્ટશ્રી દિનેશભાઈ ભટોળ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટશ્રી સુનીલભાઈ જોશી, બનાસડેરીના કર્મચારીશ્રીઓ, ગામના આગેવાનશ્રી ઓ સહીત દૂધ મંડળીના ચેરમેનશ્રી, મંત્રીશ્રી સહીત મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.