સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
(માહિત બ્યુરો, પાલનપુર)
રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંગે જાણકારી આપવા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધા અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે યોગ એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્યકક્ષાથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી વિવિધ ત્રણ વય જુથમાં ચાર તબક્કામાં યોજવામાં આવશે. દરેક વ્યક્તિએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દરેક વય જુથમાં પ્રથમ વિજેતાને તાલુકા કક્ષા માટે પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા કક્ષા માટે પ્રથમ આવનારને પસંદગી કરવામાં આવશે. જિલ્લાકક્ષાએથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનાર ભાઇઓ તથા બહેનોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે.
જિલ્લા કલેક્ટરશ્રી વરૂણ કુમાર બરનવાલએ વધુમાં જણાવ્યું કે સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ ગ્રામ્ય તથા વોર્ડકક્ષાએ તા.૧૯ ડિસેમ્બર, તાલુકા તથા નગરપાલિકાકક્ષાએ તા.૨૩ ડિસેમ્બર, જિલ્લાકક્ષાએ તા.૨૬ ડિસેમ્બર અને રાજ્ય કક્ષાએ તા.૩૦ ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારસુધીમાં ૩૭,૨૩૪ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યવ્યાપી આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહન માટે ૧૦૧ રૂપિયાથી લઈને ૨,૫૦,૦૦૦ રૂપિયા સુધીનું રોકડ ઈનામ આપવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ સોની, રમત ગમત અધિકારીશ્રી મહેશ પટેલ તથા ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.