ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ નો શુભારંભ કરાયો
ખેતી આપણા લોહીમાં છે, આપણે જીનેટિકલી ખેતી સાથે સંકળાયેલા છીએ :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
કૃષિ અને વૈજ્ઞાનિક સંશોધનથી ખેડૂતોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
(માહિતી બ્યુરો, પાલનપુર)
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ૨૪ અને ૨૫ નવેમ્બર બે દિવસીય રવિકૃષિ મહોત્સવ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં ૧૪ તાલુકા મથકે તાલુકા કક્ષાના રવિ કૃષિ મેળાનો શુભારંભ થયો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ- ગાયત્રી વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ નો દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રેરણાતીર્થ પીરાણા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજયકક્ષાના રવિ કૃષિ મેળા નું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
થરાદ ખાતે આયોજિત રવિ કૃષિ મેળામાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને થરાદના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે, ખેતી આપણા લોહીમાં વણાયેલી છે, ઋષિ કૃષિની આપણી પરંપરા છે. એક – બે હજાર વર્ષોની ખેતીનો ઇતિહાસ છે એટલે આપણે જીનેટિકલી ખેતી સાથે સંકળાયેલા છીએ. માનવતાને બચાવવાનું કામ ખેતીએ કર્યું છે. ખેતીમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીને કારણે જે બદલાવ આવ્યો છે. એ બદલાવ ખેડૂતોના જીવનમાં પણ જોવા મળ્યો છે. ખેડૂતોના પોશાક, રહેણીકરણી અને જીવનધોરણમાં બદલાવ આવ્યો છે. તો કૃષિક્ષેત્રે વાહનો, દુરસંચાર, વીજળી- પાણી વિતરણ, સિંચાઈ સહિત દરેક તબક્કે ક્રાંતિ સર્જાઈ છે, જેનો લાભ ખેડૂતોને મળ્યો છે.
અધ્યક્ષશ્રીએ કહ્યું કે, કૃષિ શિબિરો, કૃષિ મિટિંગો, કૃષિ પરિસંવાદો, કૃષિ રથ – “કૃષિ મેળા જેવા આયોજનો અને કૃષિ હિતલક્ષી નિર્ણયો થકી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે. કૃષિ ધિરાણમાં સબસીડી આપવાની અદભુત પહેલ સમગ્ર દેશમાં ગુજરાતમાં થઇ છે, જેથી કૃષિકારોને વ્યાજ ભારણમાંથી મુક્તિ મળી છે. વૈજ્ઞાનિકો અને ખેડૂતોના અનુભવો ” લેબ ટુ લેન્ડ ” થવાથી ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે જેના લીધે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ખેડૂતોને રાસાયણિક ખાતરોના વપરાશને ઘટાડી જીવામૃત , પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય આધારિત ખેતી અપનાવવા જણાવી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીની આધુનિક પદ્ધતિ અને પશુપાલન ક્ષેત્રે બ્રિડીંગમાં થયેલા સંશોધનને લીધે ગાય ભેંસને વાછરડી જ જન્મે એવા સંશોધનો થયા છે જેનો લાભ આવનારા સમયમાં ખેડૂતોને મળવાનો છે. થરાદ અને લાખણી તાલુકાના ચાળીસ ખેડૂતોના ખેતરમાં NDDB ના કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સંશોધનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે બનાસ ડેરીના સહયોગથી જમીનને ઠીક કરી માર્કેટિંગ સુધીના સ્તરે ખેડૂતોને લાભ મળી રહે એવું આયોજન થયુ છે.
આવનારા સમયમાં જમીન અને માટી વગર પણ ખેતી થઈ શકે એવી હાઈડ્રોસોનિક સિસ્ટમ અને લેયર ટેકનોલોજીના નવા આયમથી ખેડૂતો પોતાના ખેતરમાં સાત થી નવ જેટલા પાકો લઈ શકશે એમ જણાવી ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને કૃષિ સંશોધનથી વાકેફ રહેવા અને તેને અપનાવવા અપીલ કરી હતી. રવિ કૃષિ મેળા અંતર્ગત અધ્યક્ષશ્રીના હસ્તે સરદાર પટેલ પુરસ્કાર યોજના, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, તેમજ ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાની યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અધ્યક્ષશ્રીએ વિવિધ સરકારી યોજનાઓના ગોઠવાયેલા પ્રદર્શની સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે પ્રોજેકટ ડાયરેકટરશ્રી (આત્મા) એચ.જે જીંદાલે ખેડૂતોને જીવામૃત બનાવવાની રીત સમજાવી હતી. દાંતીવાડા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને સફળવાર્તાઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલ, થરાદ ખરીદ વેચાણ સંઘના ચેરમેનશ્રી જીવરાજભાઈ પટેલ, બનાસબેન્કના ડિરેક્ટર શ્રી શૈલેષભાઇ પટેલ, આગેવાન રૂપસિંહભાઈ પટેલ, ભેમજીભાઈ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ.પ્રજાપતિ, ખેડૂત આગેવાનશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા