મામલતદાર કચેરીમાં લાંચ લેતાં પકડાયેલા વચેટિયાના બે દિવસના રિમાન્ડ મંજુર
મામલતદાર કચેરીમાં લાંચ લેતાં પકડાયેલા વચેટિયાના બે દિવસના રિમાન્ડ મંજુર
ગાંધીનગર મામલતદાર કચેરીમાં છેલ્લા છ વર્ષથી ખાનગી માણસો રેકોર્ડ રૃમમાં નોંધો કાઢી આપવા માટે રૃપિયા લેતા હોવાની માહિતીને પગલે ગઇકાલે ગાંધીનગર એસીબીએ ડિકોય ગોઠવી હતી અને ખાનગી માણસ કચેરીમાં નોંધ કાઢી આપવા માટે એક હજાર રૃપિયાની લાંચ લેતા ઝડપી લઇ આજે કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા.
ગાંધીનગર જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીમાં ખાનગી માણસો રાખીને કચેરીમાં ખાનગી માણસા રાખીને વહિવટ કરવાની નવી પ્રથા શરૃ થઇ છે ત્યારે ગાંધીનગર મામલતદાર કચેરીમાં બે ખાનગી માણસો રાખીને રેકર્ડ રૃમમાં નોંધી કાઢી આપવા માટે ૫૦૦થી ૧૦૦૦ રૃપિયાની લાંચ લેવામાં આવે છે જે માહિતીને પગલે એસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાર બાદ એક જાગૃત નાગરિકની મદદથી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ કચેરીમાં રહેલો સંજય ગાભાજી ઠાકોર રકર્ડ રૃમમાંથી નોંધ કાઢી આપવા એક હજાર રૃપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો. ત્યારે આજે તેને ગાંધીનગર કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા હતા અને તેની પુછપરછ શરૃ કરવામાં આવી હતી.