રૂપાલ માં વરદાયિની માતાની પલ્લી ભરાઈ: ઘીની નદીઓ વહેતી થઈ.

વરદાયિની માતાની પલ્લીમાં હજારોની સંખ્યામાં મન ભક્તો  ઉમટ્યા, લાખો લિટર ઘીનો અભિષેક:રૂપાલમાં ઘીની નદીઓ વહેતી થઈ.

રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી ભરાઈ હતી, જેનાં દર્શનનો લહાવો લેવા હજારો લોકો ઊમટ્યા હતા. વરદાયિની માતાજીની પલ્લી છેલ્લાં 5 હજાર વર્ષથી કાઢવામાં આવે છે. આ પલ્લી મહોત્સવ વિશ્વભરમાં વિખ્યાત છે, જ્યાં આસ્થાનાં દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહ્યું છે. આ માટે ગામમાં આવેલા માતાના સ્થાનકને રોશનીથી સજાવાય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવે છે. એ બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટી પડ્યો હતો.

ગ્રામજનોની શ્રદ્ધાની વાત કરવામાં આવે તો પલ્લીનાં દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે નાનાં બાળકો ભીડ જોઈને જ રડતાં હોય છે. એમ છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જવાળા સુધી લઇ જવામાં આવે છે. રૂપાલ ગામમાં કોઈપણ દીકરો જન્મે એની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને એનાં દર્શન કરાવ્યાં બાદ થોડા વાળ કાપવામાં આવે છે. ત્યાર બાદ આ બાળકને ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં જન્મેલા દીકરાને પલ્લી જ્યોતનાં દર્શન ન કરાવવામા આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી.

રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. એ દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે છે. એ પહેલાં જ નાનાં ભૂલકાંને રથની નજીક લાવવામાં આવે છે અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોને બાળકો સોંપવામાં આવે છે. એક હાથે પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાનાં માતા-પિતાને પરત આપે છે.

રદાયિની માતાની પલ્લીની વાત કરવામાં આવે તો રાત્રે બાર વાગ્યે પલ્લીની શરૂઆત કરવામાં આવી હતી અને માતાજી દર્શન આપવા માટે નીકળ્યાં હતાં. લાખો લિટર ઘીનો ઉપયોગ પલ્લીમાં કરવામાં આવ્યો હતો. જ્યારે તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. આમ પલ્લીમાં ઘી નાખવાના નિયમથી વહેલી સવાર થતાં જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર જેમ ઘીની નદીઓ વહેતી હોય એવાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.

પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. એમાંથી ગામના ભાઈઓ માતાજીનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લી રથને પલ્લીવાળા વાસમાં માતાજીનો ગોખ તથા માની છબિ ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયનાં છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે.

ત્યાર બાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કૂંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાંના ખીલા આપે છે. માળીભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ, માતાજીનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ, ગામમાં વસતા અઢારે આલમના લોકો માતાજીની શક્તિ મુજબ સેવા કરે છે.

પલ્લી નીકળી ગયા બાદ પણ ગામના વાલ્મીકિ સમાજના લોકો ડોલ, ટબ લઈને ચઢાવાયેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે. કહેવાય છે કે અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મીકિ સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈપણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી. પલ્લી જ્યારે ગામમાં નીકળે છે ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરા પર પલ્લી મંદિરમાં મુકાયા બાદ તેઓ ઘી અર્પણ કરે છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!