પાલનપુર ખાતે “વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ બનાસકાંઠા” સમિટ યોજાશે

તા. ૨૧ મી ઓક્ટોબરે પાલનપુર ખાતે “વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ બનાસકાંઠા” સમિટ યોજાશે

સમિટમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, ઉદ્યોગ વિભાગ અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત સહિત ઉધોગકારો ઉપસ્થિત રહેશે

આ કાર્યક્રમનું કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું

સરકારની ઔધોગિક પ્રોત્સાહન યોજનાઓ, સ્ટાર્ટ અપ, ક્રેડીટ લીંક સેમિનાર, એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન અને પી. એમ. વિશ્વકર્મા યોજનાની તજજ્ઞો દ્વારા માહિતી અપાશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ-૨૦૦૩ માં કલ્પના કરવામાં આવી હતી. જે આજે સમગ્ર વિશ્વમાં વિકાસ અને બિઝનેસ નેટવર્કિંગ માટેનું સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે વિકસિત થયું છે. આ નોંધપાત્ર સિધ્ધિના ૨૦ વર્ષની ઉજવણી કરતી વખતે ગુજરાત સરકાર દ્વારા ૧૦ મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં પ્રિ-વાયબ્રન્ટ સમિટ “વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ બનાસકાંઠા” નું આજે તા. ૨૧ મી ઓક્ટોબરે શનિવારના રોજ સવારે- ૦૯.૦૦ કલાકે શ્રી કાનુભાઇ મહેતા સાંસ્કૃતિક ભવન, વિધામંદિર સંકુલ, જેલ રોડ, પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, ઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત, જિલ્લાના સંસદસભ્યશ્રી તેમજ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તથા તમામ પદાધિકારીઓ અને ઉધોગકારો ઉપસ્થિત રહેશે.
બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે માર્બલ & ગ્રેનાઇટ, ડેરી ઉધોગ અને ફૂડ અને એગ્રો વૈશ્વિક સ્તરે વિકસિત થયેલા છે. કેન્દ્ર સરકારની વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ યોજના અંતર્ગત બનાસકાંઠાના માર્બલ & ગ્રેનાઇટને બનાસકાંઠાની મુખ્ય પ્રોડક્ટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. બનાસકાંઠાની હેન્ડીક્રાફ્ટની સૂફભરતની આઇટમો માટે એક્સપોર્ટની વિશાળ તકો ઉપલબ્ધ થયેલ છે. તથા એન્જીનિયરીંગ, ક્વોરી, મીઠું પકવતા એકમો, ઓઇલ તથા મીઠા આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે.
આ સમગ્ર કાર્યક્રમનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી મિહિરભાઇ એન. મકવાણાએ જણાવ્યું છે કે, પાલનપુર ખાતે શનિવારના રોજ યોજાનાર સમિટમાં ઉધોગ, બેંકીગ અને એક્સપોર્ટ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા સરકારની ઔધોગિક પ્રોત્સાહન યોજનાઓ, સ્ટાર્ટઅપ સેમિનાર, ક્રેડીટ લીંક સેમિનાર, એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન અને પી.એમ. વિશ્વકર્મા યોજનાની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. તેમજ B2B, B2C તથા B2G અંગેના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. MSME સેક્ટરના ઔધોગિક એકમો, બેંક મેલા, ZED રજીસ્ટ્રેશન તથા હસ્તકલાની બનાવટોના એક્ઝિબિશન સ્ટોલ પણ રાખવામાં આવનાર છે. વાયબ્રન્ટ બનાસકાંઠા કાર્યક્રમનો જિલ્લાના તમામ ઉદ્યોગકારો, ઇન્વેસ્ટરો, તથા સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છુક યુવાધન લાભ મેળવી શકશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!