મોરબી બ્રિજ તૂટવાની ઘટના અકસ્માત નહીં પણ મર્ડર છે આરોપીઓ સામે 302ની કલમ લાગવી જોઈએઃ SIT
મોરબી બ્રિજ દુર્ઘટનાઃ SITએ હાઈકોર્ટમાં પાંચ હજાર પાનાનો રીપોર્ટ રજૂ કર્યો, દિવાળી બાદ વધુ સુનાવણી
31 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો જેમાં કુલ 135 લોકોના મોત થયા હતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે તપાસ માટે નિમેલી SITએ રીપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ રીપોર્ટમાં તપાસ ટીમ દ્વારા ઓરેવા કંપની બ્રિજ ધરાશાયી થવામાં સંપૂર્ણ જવાબદાર હોવાનું જણાવ્યું છે. તે ઉપરાંત બ્રિજ તૂટવાની ઘટના અકસ્માત નહીં પણ મર્ડર છે જેથી આરોપીઓ સામે 302ની કલમ લાગવી જોઈએ એવું જણાવાયું છે.દીવાળી વેકેશન બાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
31 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીનો મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો. જેમાં કુલ 135 લોકોના મોત થયા હતા. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. આ કેસમાં કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી. અગાઉ ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને બે ટિકિટ ચેકરને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતાં. હાઈકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન SITની ટીમે પાંચ હજાર પાનાનો રીપોર્ટ રજૂ કર્યો હતો. આ રીપોર્ટમાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકો બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદાર હોવાનું જણાવાયું છે.
રિપોર્ટમાં કહેવાયું કે, બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારના પ્રતિબંધની વ્યવસ્થા નહોતી કરાઈ. બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર નહોતો કરાયો. ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતું. ટિકિટ વેચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હતો. બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયુ કે, બ્રિજનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને અપાયું હતું. જેની વિશ્વસનીયતા ચેક કરાઈ નથી. ટિકિટો કેટલી વેચવી તે નક્કી કરાયુ ન હતું. ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર છે.