પાલનપુરના તબીબે મજૂરી ન ચુકવતાં દંપતીએ કર્યો આપઘાત

પાલનપુરના તબીબે મજૂરી ન ચુકવતાં દંપતીનો આપઘાત

પાલનપુરની અક્ષર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને સેન્ટિંગનું કામ કરતા કોન્ટ્રાક્ટરને તબીબે મજૂરીના પૈસા ન આપતાં બુધવારે વહેલી સવારે પતિ-પત્ની બંનેએ ઝેરી દવા પી લેતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં બંનેનું મોત નિપજ્યું હતું.કોન્ટ્રાક્ટરએ તબીબ અશોક પરમાર સામે લેબર કોર્ટમાં ફરિયાદ કરી હતી. છતાં પૈસા ન આપતા કોન્ટ્રાક્ટરની પત્નીએ સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતાં તબીબ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો હતો.

બુધવારે સવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પત્ની રેખાબેન મુકેશભાઇ સોલંકી અને પતિ મુકેશભાઇ ધર્માભાઇ સોલંકી બંને ઝેર પીધેલી હાલતમાં લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રથમ રેખાબેનનું મોત નિપજ્યું હતુ. દરમિયાન પતિ મુકેશભાઇનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ખિસ્સામાંથી સારવાર કરનાર ડોક્ટરને સ્યુસાઈડ નોટ મળી હતી જેથી મુકેશ ભાઈના 19 વર્ષના દીકરા આદિત્ય સોલંકીએ સ્યુસાઈડ નોટના આધારે આરોપી તબીબ અશોકભાઇ લાલજીભાઇ પરમાર (રહે- ચામુંડા પાર્લર પાસે ગણેશપુરા પાલનપુર) સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં મુકેશ ભાઈએ તબીબ અશોક પરમારના મકાનનું કામકાજ રાખેલું અને બાંધકામ કર્યું હતું જે કામ પેટે લેવાના મજુરી પેટે હિસાબની રકમ આરોપી અશોક પરમાર આપતા ન હતા. જેથી આરોપી પાસેથી રકમ મેળવવા મુકેશભાઈ એ લેબર કોર્ટમાં ફરિયાદ કરી હતી.

આમ છતાં અશોક પરમારે પૈસા ન આપી અને તમારાથી થાય તે કરી લેવાની ગર્ભિત ધમકી આપતાં મુકેશ ભાઈએ પત્ની રેખાબેન સાથે મરવા મજબુર થઇ ઝેરી દવા પી લીધી હતી. રેખાબેને મરતા પહેલા આર્થિક સંકડામણ દર્શાવી ભાવુક સ્યુસાઈટ નોટ લખી હતી. બીજી બાજુ પાલનપુરના નિવાસ સ્થાનેથી બન્નેની એકસાથે અર્થી નીકળતા ગમગીની છવાઈ હતી.માતા પિતાના મોત બાદ સંતાનો નોંધારા બન્યા છે.પોલીસે ધરપકડ માટે કવાયત હાથ ધરી છે.

આરોપી તબીબ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
ઝેરી દવા પીનાર રેખાબેન અને મુકેશભાઈ મોતને ભેટતા તેમની લાશનું પીએમ કરાવેલું છે. સ્યુસાઈડ નોટ આધારે પીએસઆઈ બી.જે.સુથાર સમક્ષ પૂર્વ પોલીસ મથકે ઇ.પી.કો. કલમ 306, 506 (1) મુજબનો ગુનો નોંધાયો છે. ગુનાની તપાસના કામે સ્યુસાઈટ નોટ કબજે લેવાઈ છે.  એમ.બી. વ્યાસ ઇન્ચાર્જ  એસ.પી. બનાસકાંઠા

 સ્યુસાઈડ નોટ : અમારે પૈસાની જરૂર છે અને ઘરમાં ખાવા માટે અનાજ નથી અને મારા બાળકોનું અભ્યાસ બગડે છે.

હું રેખાબેન મુકેશભાઈ સોલંકી આ દુનિયા છોડીને જાઉં છું. તેનું કારણ ગામ રૂપાલના ડોક્ટર અશોકભાઈ લાલાભાઇ પરમાર છે. એમના ત્યાં મારા પતિએ મકાન બાંધકામ કરેલ છે. જેનો હિસાબ ન આપતા લેબરકોર્ટમાં ફરિયાદ કરેલ છે. જેથી અમારે  પૈસાની જરૂર છે. અને ઘરમાં ખાવા માટે અનાજ  નથી. મારા બાળકોનું ભણતર બગડે છે. અમારા પાસે રહેવા માટે ઘર નથી. ભાડાના મકાનમાં રહીએ છીએ. ઘર માલિકને ભાડાના પૈસા આપવાના છે. જો ન આપીએ તો ઘર ખાલી કરાવી શકે છે. તો રહેવા ક્યાં જઈએ? જેથી સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!