બાયો CNG ગેસ સ્ટેશન સ્થાપવા જાપાનની સુઝુકી કંપની સાથે MOU

 

બનાસ ડેરીએ સુઝુકી અને NDDBના સહયોગથી હરિયાળું ભારત અને ખેડૂતોની સમૃદ્ધિ માટેની પહેલ કરી છે : શંકરભાઈ ચૌધરી

દેશમાં સૌપ્રથમ ગોબરમાંથી બાયો CNG ગેસ બનાવવાનો શ્રેય બનાસ ડેરીને જાય છે. ખેડૂતોની આવક વધારવા માટે બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી ગોબર ખરીદી ગોબરમાંથી બાયો CNG બનાવવાની શરૂઆત કરી. બનાસ ડેરીએ શરુ કરેલા બાયો CNG પ્લાન્ટનો લાભ સમગ્ર ગુજરાત રાજ્યમાં થાય તેવા ઉમદા હેતુથી અમુલ બનાસ અને NDDB ના સંયુક્ત ઉપક્રમે બાયો CNG ગેસ સ્ટેશનની સંખ્યા વધારવા તકનીકી તેમજ આર્થિક મદદ માટે જાપાન ની સુઝુકી કંપની સાથે MOU કરવામાં આવ્યા છે.

GCMMF ની AMUL બ્રાન્ડ હેઠળ ડેરી ઉદ્યોગમાં અગ્રણી નામ ધરાવતી બનાસ ડેરીએ સુઝુકી આર.એન્ડ.ડી સેન્ટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (SRDI) જે સુઝુકી મોટર કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે ત્રિ-પક્ષીય કરાર પર હસ્તાક્ષર કરીને આજે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સુઝુકી મોટર કોર્પોરેશન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે મળીને બનાસ ડેરી પશુ છાણ આધારિત બાયો CNG પ્લાન્ટ સ્થાપવા જઇ રહી છે. જેમાં સુઝુકી મોટર કોર્પોરેશન તકનીકી તથા આર્થિક સહાય સાથે મદદરૂપ થશે.

જાપાનમાં ભારતના રાજદૂત શ્રી સિબી જ્યોર્જની હાજરીમાં આજે જાપાનના ટોક્યો ખાતેના ભારતીય દૂતાવાસમાં શ્રી ટી સુઝુકી (પ્રમુખ, સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાન), શ્રી શંકરભાઈ ચૌધરી (અધ્યક્ષશ્રી ગુજરાત વિધાન સભા તથા ચેરમેન – બનાસ ડેરી), શ્રી મીનેશ શાહ(ચેરમેન – એનડીડીબી), શ્રી જયેન મહેતા (મેનેજિંગ ડિરેક્ટર – જી. સી. એમ. એમ. એફ – અમુલ) અને શ્રી સંગ્રામ ચૌધરી (મેનેજિંગ ડિરેક્ટર – બનાસ ડેરી) દ્વારા આ અંગેના એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આગાઉ બનાસ ડેરીએ ડિસેમ્બર 2022 માં સુઝુકી અને NDDB સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરીને આ અંગેની વાટાઘાટો શરૂ કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદેશ ભારતને સ્વચ્છ બનાવવા અને ખેડૂતોને તેમના પશુપાલન વ્યવસાયની આડપેદાશોમાંથી વધારાની આવક મેળવવામાં મદદરૂપ થવાનો છે. પશુઓના છાણમાંથી મેળવાયેલી બાયો CNG ની આ ક્લીન એનર્જિમાંથી ગ્રીન હાઇડ્રોજન તેમજ લિક્વિડ બાયો-મિથેન (LBM) નું ઉત્પાદન કરી ગ્રીન એનર્જીના સ્ત્રોત તરીકે વધુ ઉપયોગ કરી શકાશે.

આજે કરાયેલા કરારો મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2025 સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તમામ પક્ષોની પરસ્પર સમજૂતી મુજબ આ પ્લાન્ટોની સંખ્યા વધારો પણ કરવામાં આવશે. આ પ્લાન્ટો પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણને જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. અંદાજિત 230 કરોડના કુલ રોકાણ સાથે ગ્રીન અને ક્લીન એનર્જી ઉત્પન્ન કરશે. CNG વાહનો માટે બળતણનું વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટની સાથે બાયોગેસ ફિલિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે. તદઉપરાંત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જૈવિક ખાતર (ગોબરધન)નું ઉત્પાદન પણ આ બાયોગેસ પ્લાન્ટો થકી કરવામાં આવશે.

બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ થકી આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નદૃષ્ટા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘ગોબરધન પ્રોજેક્ટ’ થકી સ્વચ્છ ઊર્જા અને પ્રાકૃતિક ખેતીનાં ક્ષેત્રે હરણફાળ ભરવા બનાસ ડેરી જઈ રહી છે. નેટ કાર્બન ન્યૂટ્રાલિટી તથા સરક્યુલર ઇકોનોમીને હાંસિલ કરવા માટે એક પારોઢનું પગલું છે. હરિયાળું ભારત અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોને વેગ મળશે. આ પ્રોજેક્ટ્સ થકી બનાસકાંઠા જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો તથા ઉર્જા સ્વનિર્ભર જિલ્લો બનાવવાના તરફનું એક પ્રયાણ છે. ખેડૂતોના હિત માટે અમને આજે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં હિસ્સેદાર થવાનો આનંદ છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!