CM સાથેની બેઠક બાદ વિવાદના અંતનાં એંધાણ
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણી અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.