ભાભર નગર પાલિકા પ્રમુખ પદ માટે 6થી વધુ મહિલાની દાવેદારી
ભાભર નગરપાલિકામાં બીજી ટર્મના પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શુક્રવારે સેન્સ લેવામાં આવ્યા હતા.જેમાં છ થી વધુ મહિલાઓએ પ્રમુખ પદની દાવેદારી નોંધાવી હતી. સેન્સ પ્રક્રિયા દરમિયાન ત્રણની પેનલમાં પ્રમુખના નામની ચર્ચા, ઉપ પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન વિષે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
ભાભર નગર પાલિકાના પ્રમુખના પ્રથમ અઢી વર્ષની ટર્મ તા. 14/09/2023ના રોજ પૂરી થશે. ત્યારે બીજી ટર્મ માટે પ્રમુખપદ જનરલ મહિલા અનામત હોઇ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા અશોકભાઈ જોષી, મયંક નાયક, જયશ્રીબેન દેસાઈની ટીમ સેન્સ લેવા માટે ભાભર ની હરિધામ ગૌ શાળામાં બપોરે 11 કલાકે આવી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં એક એક વ્યક્તિને બોલાવી મંતવ્યો જાણવામાં આવ્યા હતા. જેમાં ભાભર પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, પ્રમુખની દાવેદારી કરતા સદસ્યો, રાજકીય આગેવાનો, પ્રદેશના આગેવાન નૌકાબેન પ્રજાપતિ સહિતના સેન્સ લેવામાં આવ્યા હતા. પ્રથમ ટર્મમાં ઠક્કર સમાજને પ્રભુત્વ આપવામાં આવેલ હતું. આથી ભાભરના નગરજનો આગેવાનો ઈત્તર સમાજ તેમજ દરબાર સમાજને દાવેદારી આપે તેવી સમાજના લોકોએ માંગ કરી હતી. જેમાં 6 થી વધુ મહિલાઓએ દાવેદારી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.