15 ઓગસ્ટે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આયોજિત મોરારિ બાપુની કથામાં હાજરી આપી હતી
કેમ્બ્રિજ યુનિવર્સિટી રામ કથા ચાલી રહી હતી, કહ્યું- ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કથામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું
15 ઓગસ્ટે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આયોજિત મોરારિ બાપુની કથામાં હાજરી આપી હતી. બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન, ઋષિ સુનકે મોરારિ બાપુની વ્યાસપીઠને પુષ્પ અર્પણ કર્યું હતું અને સાથે “જય સિયા રામ”ના નારા લગાવતા.
વડાપ્રધાન ઋષિ સુનકે તેમના ભાષણમાં કહ્યું “ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આજે મોરારિ બાપુની રામ કથામાં અહીં હાજર રહેવું ખરેખર એક સન્માન અને આનંદની વાત છે. બાપુ, આજે હું અહીં વડાપ્રધાન તરીકે નહીં પણ એક હિન્દુ તરીકે છું! મારા માટે વિશ્વાસ ખૂબ જ વ્યક્તિગત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ એક મહાન સન્માનની વાત છે, પરંતુ આ સરળ કામ નથી. અઘરા નિર્ણયો લેવાના હોય છે.”
“મારા માટે, જ્યારે હું ચાન્સેલર હતો ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર દિવાળી માટે દીવાઓ પ્રગટાવવાની એ અદ્ભુત અને ખાસ ક્ષણ હતી. અને જેમ બાપુના બેકગ્રાઉન્ડમાં ગોલ્ડન હનુમાન છે, તેમ મને ગર્વ છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મારા ડેસ્ક પર સુવર્ણ ગણેશ બિરાજમાન છે.”
ઋષિ સુનકે કહ્યું કે તેમને બ્રિટિશ હોવા પર ગર્વ છે અને હિંદુ હોવા પર ગર્વ છે. તેમણે સાઉથ હેમ્પટનમાં તેમના બાળપણ અને ઉછેરના વર્ષોને યાદ કર્યા જ્યાં તેમણે તેમના ભાઈ-બહેનો સાથે તેમના પડોશના મંદિરની મુલાકાત લીધી અને તેમના પરિવાર સાથે હવન, પૂજા, કલા અને પ્રસાદ વિતરણ જેવી ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો.
“બાપુએ રામાયણ પર જે કહ્યું તે યાદ કરીને હું આજે અહીંથી નીકળું છું, પણ ભગવદ ગીતા અને હનુમાન ચાલીસાને પણ યાદ કરું છું. અને મારા માટે, ભગવાન રામ હંમેશા જીવનના પડકારોનો હિંમત સાથે સામનો કરવા, નમ્રતાથી શાસન કરવા અને નિઃસ્વાર્થપણે કામ કરવા માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ બન્યા રહેશે.”
“બાપુ તમે જે કર્યું છે તેના માટે આભાર. તમારું સત્ય, પ્રેમ અને કરુણાનું શિક્ષણ હંમેશા સુસંગત છે,” ઋષિ સુનકે જણાવ્યું.
પીએમ ઋષિ સુનકે બાપુના પ્રેરણાદાયી કાર્ય અને અમર્યાદિત સહનશક્તિ અને ભક્તિની પ્રશંસા કરીને સમાપન કર્યું. પીએમએ સ્ટેજ પર આરતીમાં ભાગ લીધો હતો.