શિક્ષણાધિકારી કચેરીનો નિરીક્ષક 10 હજારની લાંચ લેતા એસીબીએ દબોચ્યો
શિક્ષણાધિકારી કચેરીનો નિરીક્ષક 10 હજારની લાંચ લેતા એસીબીએ દબોચ્યો
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો નિરીક્ષક રાજેશ દેસાઈ 10 હજારની લાંચ લેતા ઝડપાયો પાટણ એસીબીના હાથે શનિવારે બપોરે ઝડપાઈ ગયો હતો.4 મહિના પૂર્વે આચાર્યોના ઇન્ટરવ્યૂ લીધા હતા જેમાં 40 હજારનો ભાવ ચાલે છે તેમ કહી 20 નક્કી કર્યા બાદ 10 ખંખેરી લીધા હતા.અને બાકીના 10 હજાર માટે રજાના દિવસે શશીવન પાસે આચાર્યને બોલાવી 10 હજાર ખિસ્સામાં મૂક્યા હતા એજ વખતે એસીબી ટીમે દબોચી લીધો હતો.પકડાઈ ગયા બાદ ચૂપચાપ પોલીસ સાથે ગાડીમાં બેસી ગયો હતો.
પાલનપુરમાં 4 મહિના અગાઉ ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી પ્રક્રિયામાં ઓનલાઇન ઉમેદવારી બાદ પાલનપુર નજીક સ્કૂલ ઓફ સાયન્સમાં આચાર્યોની ભરતીના ઇન્ટરવ્યૂ થયા હતા. ઇન્ટરવ્યૂમાં જીલ્લા કક્ષાની ભરતીની પસંદગી સમીતીમાં આ નિરીક્ષક રાજેશ દેસાઈએ આચાર્યનું ઇન્ટરવ્યુ લીધેલું અને ઇન્ટરવ્યૂમાં પાસ જાહેર થયાં હતા.અને આચાર્ય તરીકે નિમણુંક પામ્યા હતા. જે નિમણૂંક માટે નિરીક્ષક રાજેશ દેસાઈએ આચાર્ય પાસે આચાર્ય તરીકેની નિમણૂંકમાં 40 હજારનો વ્યવહાર ચાલે છે અને નિમણૂંકમાં મદદ કરી છે તેમ કહી ચાલીસ હજારની માગણી કરી હતી અને રકજકના અંતે20 હજાર આપવાના નકકી કર્યા હતા. અને તેમાંથી રૂપિયા 10 હજાર રાજેશ દેસાઈને પહેલા આપી દીધા અને બાકીના 10 હજારની લાંચ માંગતા આચાર્યએ પાટણ એ.સી.બી.ને ફરિયાદ કરી હતી જે બાદ નિરીક્ષક રાજેશે આચાર્યને રજાના દિવસે પાલનપુરના ડેરી રોડ પર સરસ્વતી સર્કલ નજીક શશીવન પાસે બોલાવ્યો હતો.
એ વખતે અગાઉથી જ પાટણ એસીબી ટીમના છ પોલીસકર્મીઓ ખાનગી વાહનમાં સાદા ડ્રેસમાં ત્યાં હાજર હતા અને તેમને જેવા આચાર્ય પાસેથી નિરીક્ષકે 10,000 લઈને ખિસ્સામાં મૂક્યા એવા તુરંત રાજેશ દેસાઈને પકડી ગાડીમાં બેસાડી પાલનપુર સર્કિટ હાઉસ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં બપોરે 1:00 વાગ્યા થી પાલનપુર સર્કિટ હાઉસના ત્રીજા માળે ફરિયાદી અને આરોપીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે મોડી સાંજ સુધી ચાલી હતી.ભાસ્કરને મળેલી વિગતો અનુસાર રાજેશના પિતા હજુ મહિના પહેલા જ અંબાજી હાઈવે મેરવાડા નજીક ત્રણ રસ્તા પાસે માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.
દોઢ વર્ષ અગાઉ પાટણથી બદલી કરીને આવેલા રાજેશે પાટણ માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં પાંચ વર્ષ ફરજ બજાવી હતી. એ પૂર્વે હડાદમાં દસ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી હતી.
દર વર્ષે આચાર્યની ભરતી પ્રક્રિયા સરકારી શાળામાં અથવા શહેરના સૌથી મધ્યમાં આવેલા સ્વસ્તિક હાઇસ્કૂલના કેમ્પસમાં થતું હતું જેનાથી જિલ્લા ભરના આચાર્યોને મુશ્કેલી પડતી ન હતી પરંતુ આ વર્ષે શહેરથી થોડે દૂર ચાર કિલોમીટરના અંતરે ખાનગી વાહનમાં જવું પડે તેવી સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલ પસંદ કરવામાં આવી હતી
જેને લઇ કેટલાક આચાર્યોએ વિરોધ નોંધાવ્યો હતો. અને મોડે સુધી ચાલેલી ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી હતી. જોકે એ વખતે આ સમગ્ર બાબત પર કોઈ ખુલીને સામે આવ્યું ન હતું. 70 આચાર્યોની ભરતી થઈ હતી જેમાંથી 66 હાજર થયા હતા અને હજુ ચાર હાજર થયા નથી.