ધરપડામાં વાલીઓએ ખાનગી શાળા છોડાવી બાળકોને સરકારી પ્રા. શાળામાં પ્રવેશ અપાવ્યો
બનાસકાંઠા જિલ્લા શિક્ષણ જગતની આગવી શાન:ડીસા તાલુકાના ધરપડા ગામની પ્રાથમિક સરકારી શાળા
સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેકટમાં સમાવિષ્ટ આ શાળામાં અદ્ભૂત પ્રાકૃતિક વાતાવરણ, આલીશાન બિલ્ડીંગ, ભૌતિક સુવિધાઓ સાથે ગુણવતા સભર શિક્ષણનો સમન્વય
વાલીઓએ ખાનગી શાળા છોડાવી પોતાના બાળકોને સરકારી પ્રાથમિક શાળા ધરપડામાં પ્રવેશ અપાવ્યો
(માહિતી બ્યુરો,પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક વિકાસની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર દ્વારા અનેક પહેલ, યોજનાઓ અને ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેના લીધે જિલ્લામાં શિક્ષણનું સ્તર ના કેવળ ઊંચું આવ્યું છે. પણ જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. તો જિલ્લાના બાળકોએ શિક્ષણક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રાજ્યમાં જિલ્લાની આગવી ઓળખ ઉભી કરી છે. જિલ્લામાં કેટલીક સરકારી શાળાઓ ખાનગી શાળાઓના આધુનિક મકાનને પણ ઝાંખી પાડે એવી અને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સમગ્ર જિલ્લામાં આગવી તરી આવે છે. આવી જ એક શાળા એટલે ડીસા તાલુકાના ધરપડા ગામની પ્રાથમિક શાળા
આ શાળા એવી છે કે જ્યાં બાળકો શાળામાં સમય કરતાં વહેલા આવી જાય છે. અદ્યતન સુવિધા અને ઉચ્ચ શિક્ષણના પ્રતાપે આજે શાળામાં બાળકોની હાજરીનું પ્રમાણ વધ્યું છે. તો ગામના વાલીઓએ બાળકોને ખાનગી શાળા છોડાવી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. અદ્ભૂત પ્રાકૃતિક વાતાવરણ, આલીશાન બિલ્ડીંગ, ભૌતિક સુવિધાઓ અને બાળકોની શિસ્ત આ શાળાની આગવી લાક્ષણિકતા છે.
શહેરની કોઈ મોટી ખાનગી શાળા જેવી લાગતી બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલી ધરપડા પ્રાથમિક શાળા બાળકો વાલીઓ અને શૈક્ષણિક જગત માટે એક ગૌરવ સમાન છે. વાલીઓ ગર્વથી કહી શકે કે મારું બાળક સરકારી શાળામાં ભણે છે એવી આ સ્કૂલ ડીસા નહિ પરંતુ સમગ્ર જિલ્લાની શાન છે.
સરકારના સ્કૂલ ઓફ એક્સેલન્સના પ્રોજેક્ટ હેઠળ આ શાળાને સમાવિષ્ટ કરવામાં આવી છે. પરિણામે શાળાની શૈક્ષણિક ગુણવત્તામાં ખૂબ જ સુધારો થયો છે. આ શાળાના મોટાભાગના બાળકો વાંચન,ગણન અને લેખનમાં સરકારના લક્ષ્યાંક મુજબની સિદ્ધિ ધરાવે છે. શાળાને જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ સ્માર્ટ કલાસરૂમ મળવાથી બાળકોની અભ્યાસ પ્રત્યેની રુચિ પણ વધી છે. સ્કૂલ ઓફ એક્સીલેન્સ દ્વારા નવીન ઓરડા બનતાં ભૌતિક સુવિધા એટલી વધી ગઈ છે કે શાળામાં હવે હાજરી 70 ટકાથી વધી 95 ટકા જેટલી વધી ગઈ છે.
અહીં બાળકો માત્ર પ્રાર્થના નથી કરતાં પરંતુ શિક્ષક રૂપી ગુરુજનોના ચરણસ્પર્શ કરી આશિષ મેળવી અભ્યાસની શરૂઆત કરે છે. અહીં બાળકો માત્ર ભોજન નથી કરતાં પરંતુ ઘરેથી લાવેલ અનાજને અક્ષયપાત્રમાં નાખી દાનનો મહિમા શીખી રહ્યાં છે. અહીં બાળકો માત્ર અખબાર નથી વાંચતા પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યાં છે. અહીં શિક્ષકો પણ જ્ઞાન નથી આપતા પણ ગમ્મત
સાથે જ્ઞાન પીરસી જીવન ઘડતરના સાચા પાઠ ભણાવે છે. અહીંના બાળકો પણ શાળામાં અભ્યાસ કરી ગર્વની લાગણી અનુભવે છે
હાલના સમયમાં વાલીઓમાં ખાનગી શાળાઓનો મોહ વધી રહ્યો છે, તેવામાં ધરપડાની સરકારી પ્રાથમિક શાળા શિક્ષણ, ભૌતિક સુવિધાઓની સાથે સંસ્કાર સિંચન અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનું ઉમદા કાર્ય કરી રહી છે. ધરપડા ગામની પ્રાથમિક શાળાની શરૂઆત વર્ષ 1954 માં કરવામાં આવી હતી. જૂજ બાળકો સાથે શરૂ થયેલી આ શાળા હાલ વિશાળ વટ વૃક્ષ બની છે.
ધરપડા સરકારી શાળાની પ્રગતિ પાછળ સરકારની યોજનાઓ અને શાળાના આચાર્યની જિજ્ઞાસાવૃતી જવાબદાર છે. આચાર્ય અશોકભાઈ અને તેમની સમગ્ર ટીમની મહેનતના બળે આજે આ શાળાના બાળકો રમત ગમતમાં પણ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. અને શિક્ષનું સ્તર આજે એટલું સુધર્યું છે કે હવે ગામનો પ્રત્યેક બાળક આ સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે. વાલીઓ ખાનગી શાળાઓ છોડાવી ધરપડા સરકારી સ્કૂલમાં ભણાવવા લાગ્યાં છે. શાળામાં ટીચિંગ આઉટપુટ વધવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વીનુભાઈ પટેલ પણ શાળાની કામગીરીને બિરદાવી રહ્યા છે.
રાજ્યસરકારની બાળકોના શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓનો જો શાળાના શિક્ષકો યોગ્ય અમલીકરણ કરાવે તો કેટલું ઉત્તમ પરિણામ મળી શકે તેનું જીવંત ઉદાહરણ ડીસા તાલુકાની ધરપડા શાળામાં જોવા મળી રહ્યું છે. જે અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બાબત છે.