રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુનઃસ્થાપિત કરવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

આદિવાસી સમુદાય હવે વિકસિત ભારતના નિર્માણમાં પણ અગ્રેસર બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ સેવી છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો

(માહિતી બ્યુરો, પાલનપુર)
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબાના દર્શન કરી અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે જેનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા વન બંધુઓને મળશે.

આ સાથે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ-2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જો માનવ શરીરનું પ્રત્યેક અંગ સારુ હોય તો જ માણસ સારી રીતે જીવન જીવી શકે એવી જ રીતે સમાજના તમામ લોકો શિક્ષિત હોય, સમૃદ્ધ હોય તો જ રાષ્ટ્રનો વિકાસ થઇ શકે એમ જણાવી તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબો, શોષિતો, પીડિતો, દલિતો સહિત સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે કામ કરે છે.

દેશમાં પ્રથમવાર ભારતના સર્વોચ્ચ પદ પર આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસીઓનું ગૌરવ વધાર્યુ છે એવી જ રીતે સમગ્ર વિશ્વમાં ભારતના ગૌરવને વધારવાનું કામ આદરણીય વડાપ્રધાનશ્રીએ કર્યુ છે. તેમણે આદિવાસી લોકોની સરળતા, સજ્જનતામાંથી પ્રેરણા લેવાની વાત કરતાં કહ્યું કે વિશ્વમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે પ્રકૃતિમય જીવન જીવતા આદિવાસીઓના જીવનમાંથી પ્રેરણા મેળવી સુખ-શાંતિ મેળવી શકાય છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આદિવાસી ભાઈઓએ આઝાદીના સંગ્રામમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પંજાબના જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો જ નરસંહાર ગુજરાતના સાબરકાંઠાના પાલ-દઢવાવ-ચિતરીયાના આદિજાતિ વિસ્તારમાં થયો હતો જેમાં 1200 જેટલાં આદિવાસી ભાઈ-બહેનો શહીદ થયા હતા. એને ઉજાગર કરી તેમના યોગદાનને બિરદાવવાનું કામ તત્કાલિન મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કર્યુ હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રોમાં વિકાસની નવી ઉડાન ભરી રહ્યો છે. જેના લીધે આદિવાસી ભાઈઓનો પણ વિકાસ થયો છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકારની તમામ યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં સરસ રસ્તાઓનું નિર્માણ થયું છે. હવે લડાકુ વિમાનો ભારતમાં બની રહ્યા છે અને તેની વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે ત્યારે આજે દેશમાં આર્થિક વિકાસની ક્રાંતિ આવી છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિદેશોમાં ભારતનું માન-સન્માન વધ્યું છે અને ભારતના લોકોને દુનિયા ખુબ માન આપે છે. આજે દેશમાં શિક્ષણ, કૃષિ, ઉધોગ અને પ્રાચીન વિરાસત સહિત ચોતરફ વિકાસ થઇ રહ્યો છે. આખી દુનિયામાં શાંતિ સ્થાપવાનું કામ માત્ર ભારત જ કરી શકે એમ છે જણાવી તેમણે ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌને દિવાળીના પ્રકાશ પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવા વર્ષનો પહેલો જાહેર કાર્યક્રમ મા અંબાજીના ધામ અને આદિજાતિ વિસ્તાર દાંતા, બનાસકાંઠાથી કરી રહ્યાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીથી ઉમરગામ, વલસાડથી ઝારખંડ અને છેક નોર્થ-ઇસ્ટ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ તેમજ જનજાતિય વિસ્તારના વિકાસ માટે દેશને આગવી દિશા આપી છે.

ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવીને આદિવાસીઓના સર્વાંગી વિકાસનો પાયો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાંખ્યો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોની રહેણીકહેણી, પ્રથાઓ અને પ્રકૃતિ સાથેના અનુકૂલનને અતૂટ રાખીને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે એમ જણાવ્યું હતું.

આદિવાસી વિસ્તારના ગ્રીન ગ્રોથ, હોલિસ્ટિક ડેવલોપમેન્ટ કરી આદિવાસી સમુદાયનો ઇતિહાસ, અસ્મિતા અને વિરાસતો વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું અને સૌ તેનું ગૌરવગાન કરે તેવા આયામો વડાપ્રધાનશ્રીએ કર્યા છે. તો ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી વડાપ્રધાનશ્રીએ સમગ્ર આદિજાતિ સમુદાયને ગૌરવ અપાવ્યું છે.

આદિવાસી સમુદાયના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે સતત કાર્યશીલ એવા વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપણને આપ્યો છે જેને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીએ સૌને આહવાન કર્યું હતું. તેમજ આઝાદી જંગમાં જે રીતે આદિવાસીઓ યોગદાન આપવા આગળ આવ્યા તેમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આગળ આવવા અનુરોધ કર્યો હતો. તેમજ આદિવાસી સમાજના સાથ, વિશ્વાસ અને સહિયારા પ્રયાસથી જ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઇ શકશે એવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

સ્વરાજની લડાઈ બાદ હવે આ સુરાજ્ય માટે યોગદાન આપવાનો અમૃતકાળ – કર્તવ્યકાળ ચાલી રહ્યો છે. આદિવાસી સમુદાય હવે વિકસિત ભારતના નિર્માણમાં પણ અગ્રેસર બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ સેવી છે ત્યારે આદિવાસીઓના કલ્યાણ અને વિકાસ વિના વિકસિત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ ન થઈ શકે એમ મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, લોકસભા સાંસદશ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, સંગઠનના પ્રભારીશ્રી જયંતિભાઈ કવાડીયા અને પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી મણીભાઈ વાઘેલા, ભારત સરકારના સચિવશ્રી વર્ષા જોષી, અગ્ર સચિવશ્રી મોના ખંધાર અને શ્રી એસ.મુરલીક્રિષ્ના, ભારત સરકાર નાણાં વિભાગના નિયામકશ્રી ડો. રોઝમેરી અબ્રાહમ, કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અધિકારી- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં આદિજાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!