બનાસ ડેરી દ્વારા રૂ. ૨૧૦૦ કરોડનું મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી જેના એમ.ઓ.યુ. ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે
વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં ખુશીઓનું વાવેતર થયું છેઃ—-અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી
બનાસકાંઠા જિલ્લામાં નવી ૬ જી.આઇ.ડી.સી. અને દેશનો સૌથી મોટો એગ્રો ઇન્સ્ટ્રીઝ પાર્ક સ્થાપવામાં આવશેઃ –ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત
(માહિતી બ્યુરો, પાલનપુર)
દશમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી અને ઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘‘વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ બનાસકાંઠા’’ સમિટ યોજાઇ હતી. જેમાં ૨૧ જેટલાં ઔધોગિક એકમોએ રૂ. ૩૮૨.૯૦ કરોડના એમ.ઓ.યુ કર્યા હતા. જેનાથી ૧૧,૩૩૬ લોકોને ઘરઆંગણે રોજગારી મળશે. આ કાર્યક્રમમાં બનાસ ડેરી પાલનપુર દ્વારા રૂ. ૨૧૦૦ કરોડનું મૂડી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. જેના એમ.ઓ.યુ. ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે. જેનાથી ૧૦૯૪ જેટલી રોજગારીની તકો ઉભી થશે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ બનાસવાસીઓને નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લામાં ખુબ સારી શરૂઆત થઇ રહી છે. વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં ખુશીઓનું વાવેતર થયું છે. આવનારો સમય બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ખુબ મહત્વનો ગણાવી અધ્યક્ષશ્રીએ કહ્યું કે, આ જિલ્લાના યુવાનોમાં આગવી આવડત અને કુનેહ છે. આ જિલ્લામાં ખુબ મોટી ઓપરર્ચ્યુનિટી સાથે અહીંના રણમાં ગ્રીન હાઇડ્રોજન છે. જે આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લાને સુખી- સમૃધ્ધ જિલ્લો બનાવશે. તેમણે કહ્યું કે, એક સમયે આરબ દેશોમાં માત્ર રણ હતું, એમને ખબર જ નહોતી કે આ જમીનની નીચે ખનીજ તેલના ભંડારો પડ્યા છે એવી જ રીતે આપણા જિલ્લાનું રણ ગ્રીન હાઇડ્રોજનનું હબ છે. રાજ્ય સરકારની સોલાર પોલીસીથી આ વિસ્તારની કાયાપલટ થઇ શકે છે એમ જણાવી તેમણે કહ્યું કે, આ જિલ્લામાં જે વિસ્તારમાં પાણી નથી ત્યાંના ખેડુતો પોતાની જમીન સોલાર કંપનીઓને ૨૦ કે ૨૫ વર્ષ સુધી ભાડે આપીને તેમની પાસેથી સારી આવક મેળવી શકે છે. તેમણે કહ્યું કે, છેલ્લા ૫૦ વર્ષમાં જે વિકાસ થયો છે એટલો જ વિકાસ માત્ર પાંચ વર્ષના ટુંકાગાળામાં થયો છે. બનાસ ડેરીને રૂ. ૪,૦૦૦ કરોડના ટર્નઓવરે પહોંચતા ૫૦ વર્ષ જેટલો સમય લાગ્યો હતો જ્યારે છેલ્લા ૫ વર્ષમાં ૧૮,૦૦૦ કરોડનું ટર્નઓવર થયું છે એ મેનેજમેન્ટને કારણે શક્ય બન્યું છે. બનાસ ડેરીમાં જાપાનની TQM તાલીમ પધ્ધતિથી તમામ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે જેના કારણે તેમની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આજે દેશ અને દુનિયામાંથી લોકો મેનેજમેન્ટ શિખવા બનાસ ડેરીમાં આવે છે. દૂધમાંથી પ્રોટીન અલગ કરી શકાય એવી વિશ્વનો સૌપ્રથમ પ્રોટીન પ્લાન્ટ બનાસ ડેરીમાં શરૂ કરવામાં આવ્યો છે. જાપાનની મારૂતિ સુઝુકી કંપનીએ બનાસ ડેરી સાથે રૂ. ૨૫૦ કરોડના એમ.ઓ.યુ કર્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી વર્ષ-૨૦૨૭ સુધીમાં ભારતનો ડબલ ગ્રોથમાં વિકાસ થશે જેનાથી દેશની ઇકોનોમી બદલાઇ જશે.
અધ્યક્ષશ્રીએ કહ્યું કે, આવનારા સમયમાં ફૂડ સાથે જોડાયેલી તમામ વસ્તુઓની ખુબ માંગ રહેવાની છે. આ વર્ષની આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠાની બાજરી, મગ, મઠ, મકાઇ અને બંટીની વિવિધ પ્રોડક્ટ બનાવીને તેનું વેલ્યુ એડીશન કરી નિકાસ કરવામાં આવે તો ખેડુતોને ફાયદો થશે. આ જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારે રૂ. ૨૦૦૦ કરોડ કરતા વધુની રકમ પાણીની યોજનાઓ માટે મંજૂર કરી છે. આ જિલ્લામાં ટુરીઝમના વિકાસની પણ ખુબ ઉજળી તકો રહેલી હોવાનું જણાવી અધ્યક્ષશ્રીએ કહ્યું કે, અહીં નડાબેટના રણની સાથે સાથે જંગલ સફારી કરી શકાય એ માટે જેસોરનું રીંછ અભ્યારણ્ય આવેલું છે. બનાસકાંઠા જિલ્લાનો વિકાસ આધુનિકતા સાથે આધ્યાત્મિક રીતે થાય, પ્રકૃતિના સંવર્ધન સાથે માટી બચાવો અને વન વિસ્તાર વધારવાના લક્ષ્ય સાથે આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે ઔધોગિક વિકાસ સાથે ભારતના વિકાસની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે, આજે આનંદની વાત છે કે વર્ષ-૨૦૦૩માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે ઔધોગિક ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે.
ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત આજે વિકાસક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે. ઉત્પાદન ક્ષેત્રે ૧૮ ટકાના સહયોગ સાથે ગુજરાતનો દેશભરમાં નિકાસ ક્ષેત્રે ૩૩ ટકાનો ફાળો છે. ગુજરાતનો જી.ડી.પી. માં ૮.૪ ટકાનો ફાળો છે. દેશભરમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ રાજ્ય છે. છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી વધુ રોજગારી પુરી પાડનાર રાજ્ય ગુજરાત છે. લોસ્ટીજીસ્ટક પાર્કની સ્થાપનામાં પણ ગુજરાત નંબર વન છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ- ૨૦૪૭ સુધી દેશના વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે ત્યારે એ ચીલે ચાલીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દરેક જિલ્લામાં વાયબ્રન્ટ સમિટનું અયોજન કર્યુ છે. જેના કારણે નાના ઉધોગકારો પણ આ સમિટમાં જોડાઇને રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થઇ શકે. તેમણે કહ્યું કે, સેમિ કંડક્ટર માટે વિશ્વના માત્ર પાંચ દેશો જોડાયેલા છે. જેમાં એક આપણું ભારત છે. સેમિ કંડક્ટરથી ૨૦,૦૦૦ જેટલાં એન્જીનિયરોને રોજગારી મળશે. તેમણે કહ્યું કે વિશ્વની પાંચમા નંબરની ઇકોનોમી બનવા તરફ ભારત દેશ આગળ વધી રહ્યો છે. જેમાં ગુજરાતનો સહયોગ દેશભરમાં અગ્રેસર છે.તેમણે બનાસકાંઠા જિલ્લાના વિકાસની વાત કરતા જણાવ્યું કે, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ બનાસ ડેરીનો વિકાસ કરીને એશિયમાં સૌથી મોટી ડેરી બનાવી છે. બનાસકાંઠાના ઔધોગિક વિકાસ માટે આવનારા સમયમાં નવી ૬ જી.આઇ.ડી.સી. અને દેશનો સૌથી મોટો એગ્રો ઇન્સ્ટ્રીઝ પાર્ક સ્થાપવામાં આવશે એમ જણાવી તેમણે કહ્યું કે, આ જિલ્લો પગ્રતિ કરે એ માટે રાજ્ય સરકારે ઘણીબધી યોજનાઓ અમલી બનાવી છે. ગુજરાતમાં ધંધો રોજગાર શરૂ કરવા માટે ત્રણ વર્ષ સુધી લાયસન્સ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. તેમણે ઉમેર્યુ કે, ૧૩૫ દેશોના ૪૨,૦૦૦ થી વધારે લોકો ગુજરાતમાં રહીને ઉધોગો કરી રહ્યા છે. યુવાનો માટે સ્ટાર્ટઅપની યોજનાથી યુવાનો ઉધોગ તરફ વળ્યા છે એ રાજ્ય સરકારની નીતિને આભારી છે.
આ પ્રસંગે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે જિલ્લાકક્ષાએ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક્સપોર્ટ- ઇમ્પોર્ટના સેશનનું પણ આયોજન કરાયું છે. તેમણે કહ્યું કે, માન. રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીમાં વધારો થયો છે. લોકોને શુધ્ધ ખાવાનું મળે અને ખેડુતોને પુરતા ભાવ મળે તે માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આજે યોજાયેલ વાયબ્રન્ટ સમિટથી જિલ્લાના ઔધોગિક વિકાસને વેગ મળશે.
અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વિવિધ એક્ઝિબિશન સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી શિવરામભાઇ પટેલ, અમી કેસ્ટરના શ્રી દિલીપભાઇ ઉપાધ્યાય, સહયોગ ઇન્ડસ્ટ્રીઝના શ્રી કરશનભાઇ ચાવડા, રૂરલ ડેવલોપમેન્ટના જનરલ મેનેજરશ્રી શૈલેષભાઇ પ્રજાપતિ, ફાર્મર પ્રોડ્યુસર કંપનીના શ્રી ભીખાભાઇ ભૂટકાએ રાજ્યના ઔધોગિક વિકાસમાં વાયબ્રન્ટ સમિટની ભૂમિકાની સાથે સાથે ઉધોગ સાહસિકોને આ સમિટથી મળનારા સંભવિત ફાયદા વિશે વાત કરી હતી અને જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે નવી દિશામાં વિચારવાની યુવા સાહસિકોને પ્રેરણા આપી હતી.
આ સમિટમાં ઉધોગ, બેંકીગ અને એક્સપોર્ટ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારની ઔધોગિક પ્રોત્સાહન યોજનાઓ, સ્ટાર્ટઅપ સેમિનાર, ક્રેડીટ લીંક સેમિનાર, એક્સપોર્ટ અંગેનું માર્ગદર્શન અને પી.એમ. વિશ્વકર્મા યોજનાની માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. તેમજ B2B, B2C તથા B2G બેઠકો યોજાઇ હતી.
આ સમિટમાં ધારાસભ્યો સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવિણભાઈ માળી, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી માવજીભાઇ દેસાઇ, નગરપાલિકા પ્રમુખશ્રી ચિમનલાલ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, આસી. કલેક્ટરશ્રી સ્વપ્નિલ સિસ્લે, કુટીર ઉધોગ સંયુક્ત નિયામકશ્રી મેવાડા, જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી મિહિર મકવાણા અને શ્રી અશોક ચૌધરી, અગ્રણીઓશ્રી કનુભાઈ વ્યાસ, શ્રી ગિરીશભાઇ જગાણીયા સહિત પદાધિકારીઓ- અધિકારીઓ અને સારી સંખ્યામાં ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા