7.2ની તીવ્રતાના ભૂકંપથી મોરક્કો ધણધણી ઊઠ્યું.

820નાં મોત, 120 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, સેંકડો લોકો દટાયા.

આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 820 લોકોનાં મોત થયા છે. જ્યારે 329 લોકો ઘાયલ થયા છે. મોરોક્કન જીઓલોજિકલ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 7.2 હતી. તે શુક્રવારે મોડી રાત્રે આવ્યો હતો. જોકે, યુએસ જીઓલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 6.8 ગણાવી છે. કહેવાય છે કે, આ વિસ્તારમાં 120 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.

મોરોક્કન રાજ્ય ટેલિવિઝનના અહેવાલ મુજબ, ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપ સંબંધિત ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે, જેમાં લોકો દોડતા જોવા મળી રહ્યા છે.

મારકેશ શહેરથી 70 કિલોમીટર દૂર આવેલા એટલાસ પર્વતની નજીક આવેલા ઈઘિલ નામનું ગામ ધરતીકંપનું કેન્દ્ર હોવાનું કહેવાય છે. ભૂકંપની ઊંડાઈ જમીનથી 18.5 કિલોમીટર નીચે હતી. ભૂકંપના આંચકા છેક પોર્ટુગલ અને અલ્જીરિયા સુધી અનુભવાયા હતા.

ભૂકંપના કારણે ઇમારતો કાટમાળ અને ધૂળમાં ફેરવાઈ ગઈ છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા ઐતિહાસિક મારકેશમાં જૂના શહેરની આસપાસની પ્રખ્યાત લાલ દીવાલોના ભાગોને પણ નુકસાન થયું હતું.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ઉત્તર આફ્રિકામાં ભૂકંપ ખૂબ જ ઓછા આવે છે. અગાઉ 1960માં અગાદીર પાસે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!