સાબરમતી પ્રદુષણ અટકાવવા સમયબદ્ધ પ્લાન માંગ્યો, બંને ઓથોરિટી સમસ્યાઓને લઈને જવાબદારીમાંથી છટકી શકે નહીં,હાઇકોર્ટે AMC અને GPCBનો ઉધડો લીધો

 

વર્ષ 2022માં કેન્દ્ર સરકારનાં એક અહેવાલમાં દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી તરીકે સાબરમતી નદીને જાહેર કરવામાં આવી હતી. સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં PIL દાખલ થઈ હતી. હાઇકોર્ટ દ્વારા સાબરમતીમાં પ્રદૂષણ રોકવા અને તપાસ અર્થે AMC, GPCB અને CPCBને પણ નિર્દેશો જાહેર કરાયા હતા.

સાબરમતીમાં ખરાબ પાણી ભળવાથી ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત
તે જ કેસના સંદર્ભમાં અગાઉ કોર્ટ મિત્ર દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામું ફાઈલ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, ખાનગી સોસાયટીઓમાંથી અને ઔધોગિક એકમોમાંથી ગંદુ પાણી નદીમાં ઠલવાય છે. AMC અને GPCBને આવા 500 કનેક્શન મળ્યા છે. 14 STP-સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલા પાણીના લેવાયેલ નમૂનામાંથી 50 ટકા નમૂના ફેઈલ થયા છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા અમદાવાદના 9 STP પ્લાન્ટસને શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી છે. ખરાબ પાણી સાબરમતી નદીમાં ભળવાથી ભૂગર્ભજળ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે.

AMC અને GPCBએ એફિડેવિટ ફાઈલ કરી હતી
આજે આ જ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ વૈભવી નાણાવટીની બેન્ચ સમક્ષ આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ મિત્ર હેમાંગ શાહે ગત સુનવણીમાં રજૂ કરેલા અહેવાલ મુદ્દે AMC અને GPCBએ એફિડેવિટ ફાઈલ કરી હતી. આ મુદ્દે AMCના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, STP પ્લાન્ટમાંથી નીકળતા પાણીનાં સેમ્પલ એકઠા કરવા AMC 16 ટીમ દ્વારા ડ્રાઇવ ચલાવે છે. GPCB-ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને ગેરકાયદેસર જોડાણ મારફતે થતાં પ્રદૂષણની માહિતી અપાઈ છે.

AMCને હાઇકોર્ટની નોટીસ મળી એટલે ડ્રાઇવ ચલાવે છે : કોર્ટ
ડ્રાઇવ વિશે કોર્ટે કહ્યું હતું કે, AMCને હાઇકોર્ટની નોટીસ મળી એટલે ડ્રાઇવ ચલાવે છે, પોતાની ફરજ સમજીને નહીં ! જો AMC એ પહેલાથી જ ડ્રાઇવ કરી હોત તો ડ્રેનેજ લાઈનોમાં ગેરકાયદેસર જોડાણ થાત નહિ. AMCના વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 100 કિલોમીટર જેટલી ડ્રેનેજ લાઈન છે. ઔધોગિક એકમો તેમાં હોલ પાડીને કચરો નાખે છે. અમે તેવા એકમોના કનેક્શનને સીલ કરી દઈએ છીએ.

નુકશાન વધ્યું તેમાં GPCB પણ જવાબદાર
કોર્ટ સમક્ષ આવ્યું હતું કે, STPમાંથી નીકળતા પાણીની ક્વોલિટી નિયમો મુજબ નથી. જાન્યુઆરી 2023થી જુલાઈ 2023 સુધીમાં આ પાણીમાંનું પ્રદૂષણ નિયત માત્રા કરતાં વધુ હતું. CATP-કોમન એફલુઅંટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે પ્રદુષિત ઇન્ડટ્રીયલ પાણીને શુદ્ધ કરે છે. તેના માટે તેના સંચાલક અને GPCB જવાબદાર છે. AMC દ્વારા ચાલતા 10 STP પ્લાન્ટ તેની કાર્યક્ષમતા મુજબ કામ કરતા નથી. સુએજ લાઈનમાં ગેરકાયદેસર રીતે ઔધોગિક એકમોના જોડાણ થયા છે. જેથી નુકશાન વધ્યું છે તેમાં GPCB પણ જવાબદાર છે.

અમદાવાદમાં 2 નવા STP પ્લાન્ટ બનશે
STP પ્લાન્ટ વિશે કોર્ટે પૂછ્યું હતું કે, તેને અપગ્રેડ કરવા AMC એ શું કર્યું છે ? જેના જવાબમાં AMCના વકીલે જણાવ્યું હતું કે વર્લ્ડ બેન્કે તેમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રપોઝલ સ્વીકાર્યું છે. તેનું અપગ્રેડેશન કોર્પોરેશન દ્વારા જ થશે. ઉપરાંત અમદાવાદમાં 2 નવા STP પ્લાન્ટ બનશે. આમ, કુલ STP પ્લાન્ટની સંખ્યા 12 થશે.

આવી રીતે કામ કરશો તો પ્રદૂષણ કેમ અટકશે?
કોર્ટે આ મુદ્દે AMCને કહ્યું હતું કે, તમારા વર્તમાન STP પ્લાન્ટ ક્ષમતા મુજબ કામ કરતા નથી. આવી રીતે કામ કરશો તો પ્રદૂષણ કેમ અટકશે? AMC અને GPCB દ્વારા સાબરમતીમાં પ્રદૂષણ અટકાવવા કેમ નક્કર પગલાં લેવાતા નથી. AMC એકલું જ આ કામ કરવા સક્ષમ છે. જ્યારે કોર્ટ વખતોવખતની સુનાવણીમાં AMCને પ્રશ્ન કરે ત્યારે તેઓ જે-તે મુદ્દા પર એફિડેવિટ ફાઈલ કરે છે. કોર્ટ સમક્ષ ટુકડે ટુકડે અને અસ્પષ્ટ જવાબ નહીં સાબરમતીમાં પ્રદુષણ અટકાવવા ચોખ્ખો રોડમેપ અને ટાઇમલાઈન રજૂ કરો.

ગેરકાયદેસર જોડાણો સામે નક્કર પગલાં કેમ લેવાતા નથી
કોર્ટે વધુમાં કહ્યું હતું કે, તમે ઓથોરિટી છો. તમારૂ કામ તમારે જાતે કરવાનું છે. તેમાં સમસ્યા આવે તે તમારે જ દૂર કરવાની છે. કોર્ટ તમારા કામની સમસ્યા સાંભળવા નથી બેઠી. તમે આજે પણ તમામ ગેરકાયદેસર કનેક્શન કાપી નાખ્યા તેવું કહ્યું નથી. ફક્ત સમસ્યાઓ વર્ણવો છો. તમે જવાબદાર વ્યક્તિ છો, તમારી પાસે વિઝન હોવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કમીશ્નર એક જ એફિડેવિટ ફાઈલ કરે બાકી તેનો અમલ તંત્ર કરે. આ એફિડેવિટ વિઝનરી હોવી જોઈએ. જેમાં નદીના પ્રદુષણ અંગેના લાંબાગાળાના અને ટૂંકા ગાળાના પગલાં તેમજ સમયબદ્ધ નિરાકરણોનો ઉલ્લેખ હોવો જોઈએ. તમે ગેરકાયદેસર જોડાણો કાપી નાખો તે ફરી જોડાઈ જાય છે તો તમે નક્કર પગલાં કેમ નથી લેતા. આવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરો.

64 એકમોને નોટીસ આપીને બંધ કરાવ્યા
કોર્ટે GPCBને કહ્યું હતું કે, તમે બધું AMCનાં માથે થોપી દો છો. તમને તમારી જવાબદારી અને સત્તા વિશે ખબર છે? જો તમે તેને ન વાપરવા માગતા હોય તો અમને જણાવો. આ મુદ્દે GPCBના વકીલે જણાવ્યું હતું કે, માર્ચ 2023થી 14 ઓગસ્ટ 2023 સુધીમાં GPCBએ પ્રદૂષણ ફેલાવતાં 64 એકમોને નોટીસ આપીને બંધ કરાવ્યા છે. 49 એકમોને પ્રદૂષણ અટકાવવા નિર્દેશ અપાયા છે. તેમની પાસેથી 10 લાખની બેન્ક ગેરંટી લેવાય છે.

કોર્ટે GPCBને ફટકારી લગાવી
આ મુદ્દે કોર્ટે GPCBને ફટકારી લગાવી હતી કે, નોટીસ આપ્યા બાદ તે એકમોએ નિયમ પાળ્યા કે નહીં તે તમે જોયું? નોટીસ આપી તે કામગીરીની કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી એટલે તમારૂ પેપરવર્ક પૂરું! આ નોટિસો મહિનાઓ પહેલા તમે આપી છે, તેને એફિડેવિટમાં કામગીરી તરીકે તમે અત્યારે કોર્ટ સમક્ષ મૂકો છો? એક જ એફિડેવિટમાં તમામ બાબતો મૂકો.

GPCB એ પ્રદૂષિત પાણી છોડતા ઉધોગોના નામ જાહેર કર્યા
કોર્ટ મિત્ર હેમાંગ શાહે જણાવ્યું હતું કે, સોસાયટીઓનાં સુએજનું ટ્રીટ કર્યા વગરનું પાણી સીધું જ સાબરમતી નદીમાં છોડાય છે. આવા લોકો સામે કાયદાકીય પગલાં ભરવા અગાઉ હાઇકોર્ટ દ્વારા જ લોકલ ઓથોરિટીને પાવર અપાયા છે. આવી કેટલી સોસાયટીઓ સામે પગલાં ભર્યા તેની રેકોર્ડ કોર્ટ સમક્ષ મુકાયો નથી. GPCB એ પ્રદૂષિત પાણી છોડતા ઉધોગોના નામ જાહેર કર્યા છે.

પ્લાન્ટ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ધારાધોરણ મુજબ અપગ્રેડ કરવા
​​​​​​​
ન્યુ પીરાણા STP પ્લાન્ટ 155 MLDનો છે. તેમાંથી નીકળતું પાણી એસિડિક છે. તેને સીધું જ સાબરમતી નદીમાં છોડી દેવાય છે. પીરાણાના 106 MLDના STP પ્લાન્ટમાંથી નીકળતા પાણીમાંથી ફોસ્ફરસ અને નાઇટ્રોજન દૂર થતાં નથી. આવા પ્લાન્ટનું નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ધારાધોરણ મુજબ અપગ્રેડ કરવા જોઈએ.

ગેરકાયદેસર જોડાણ કરતી સોસાયટીઓ સામે પગલાં લો
આ સાથે જ કોર્ટ મિત્ર હેમાંગ શાહે કોર્ટ સમક્ષ કેટલાક ફોટા રજૂ કર્યા હતા. જેમાં જણાતું હતું કે, વરસાદ ન હોવા છત્તા નદીમાં સ્ટોર્મ વોટર પાઈપમાંથી ભારે પાણી નીકળી રહ્યું છે. જે જગ્યાએ આ પાણી ભરાયું છે ત્યાં વનસ્પતિ ઊગી નીકળી છે. આવી વનસ્પતિ સુએજના પાણીમાં જ થાય છે એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપમાંથી પણ ગટરનું પાણી ગેરકયદેસર જોડાણ દ્વારા છોડવામાં આવે છે. જેનાથી ભૂગર્ભ જળ પણ પ્રદુષિત થાય છે. આસપાસના લોકો તેનો ઉપયોગ કરે છે. કોર્ટે આ મુદ્દે આવા પાણીના સોર્સ શોધીને ઓથોરિટીને ને તેને બંધ કરવા જણાવ્યું હતું. કોર્પોરેશનના વકીલે જણાવ્યું હતું કે સોસાયટીઓમાં સુએજ સેપ્ટિક પ્લાન્ટ હોય તેને જ ડ્રેનેજ લાઈનમાં કનેક્શનની પરમિશન મળે છે. આ મુદ્દે કોર્ટ કહ્યું હતું કે, તો પછી આવા ગેરકાયદેસર જોડાણ કરતી સોસાયટીઓ સામે પગલાં લો.

યોગ્ય પગલાં લો નહીંતર કોર્ટ તમારા માટે અઘરો નિર્ણય આપશે
​​​​​​​
કોર્ટે બંને ઓથોરિટીને જણાવ્યું હતું કે, પોતાની કામગીરીનો કોર્ટ સમક્ષ બચાવ કરવા કરતાં યોગ્ય પગલાં લો નહીંતર કોર્ટ તમારા માટે અઘરો નિર્ણય આપશે. તમારા ઓફિસરને કહો કે તેઓ આ મુદ્દે હળવો એપ્રોચ ન રાખે. કામગીરી અશક્ય છે તેમ ન કહો, ટીમ બનાવો અને કામ કરો. અમને સાબરમતી નદીમાં ઝીરો પ્રદુષણ જોઈએ છે. તમે તે કેવી રીતે કરશો તે એફિડેવિટમાં જણાવજો. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ઔધોગિક એકમોના ગંદા પાણીના નિકાલના કનેક્શન કાપી દેવાયા છે. તેમના વકીલે પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, કોર્ટે તેમને રોકડુ પરખાવ્યું હતું કે તમે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એટલે તમારા કનેક્શન કપાયા છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!