માધ્યમોમાં પ્રસારિત પ્લાસ્ટિકના ચોખા અંગેના અહેવાલ બાબતે જિલ્લા પુરવઠા વિભાગની સ્પષ્ટતા
માધ્યમોમાં પ્રસારિત પ્લાસ્ટિકના ચોખા અંગેના અહેવાલ બાબતે જિલ્લા પુરવઠા વિભાગની સ્પષ્ટતા
(માહિતી બ્યુરો,પાલનપુર)
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં પ્લાસ્ટીકના ચોખા વેચાઈ રહ્યા હોવાના અહેવાલો માધ્યમોમાં પ્રસારિત થઈ રહ્યા છે. જે અંગે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા એક અખબારી યાદી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે,સદરહું ચોખા પ્લાસ્ટિકના નહિ પરંતું ફોર્ટીફાઈડ ચોખા છે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા લોકોને ભારત સરકારશ્રીના ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા મારફત જુદી-જુદી યોજનાઓ હેઠળ ઘઉં અને ચોખા આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા આપવામાં આવતા ચોખાનું ફોર્ટીફીકેશન કરવામાં આવે છે. જેમાં ચોખાના પાઉડરમાં આયર્ન, ફોલીક એસીડ અને વીટામીન B12 ઉમેરી ચોખા બનાવવામાં આવે છે અને ૧૦૦ : ૧ ની માત્રામાં ચોખામાં ભેળવી બેગમાં પેક કરવામાં આવે છે.
સદરહું ચોખા કુત્રિમ રીતે કંપનીમાં બનાવવામાં આવે છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ બાબતે અવાર-નવાર સમાચાર પત્રોમાં પ્લાસ્ટિકના ચોખા બતાવવામાં આવે છે. પરંતું સદરહું ચોખા પ્લાસ્ટિકના નહિ, પરંતું ફોર્ટીફાઈડ ચોખા હોઈ લોકોમાં ભ્રમ ન ફેલાય એ માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે છે. લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા તેમજ લોકોના સ્વાસ્થમાં સુધારો કરવા અંગે સરકારશ્રી દ્વારા કામગીરી કરવામાં આવે છે.