જૈન સમાજ શુક્રવારે અખાત્રીજ ઉજવશે…

વર્ષી તપ એટલે એક વર્ષ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ…. જૈન સમાજ શુક્રવારે અખાત્રીજ ઉજવશે…

અક્ષય તૃતીયા અખાત્રી વૈશાખ સુદ ત્રીજ

વર્ષી તપ એટલે એક વર્ષ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ….

ફાગણ સુદ આઠમથી શુભાંરભ અને અખાત્રીજ – અક્ષય તૃતીયાના પૂર્ણાહુતિ….

પ્રભુ મહાવીર કહે છે.. તપસ્યા એટલે કર્મો બાળવાની ભઠ્ઠી..

જૈન દર્શન તીથઁકર ચરિત્ર મુજબ ત્રીજા આરાના અંતમાં ચૌદમા કુલકર શ્રી નાભિરાજાના કૂળે રત્નકુક્ષીણી માતા મરૂદેવાની કુક્ષીએ શ્રી આદિનાથ ઋષભદેવ ભગવાનનો જન્મ થયો હતો.

બળદ આદિ પશુઓના ભોજન સમયે મુખ ઉપર જે છીકલી બાંધેલી છે તે ઉતારી લેજો આ વાત કહેવાની ઋષભદેવને સ્મરણમાં ન આવી.
ઋષભદેવ પ્રભુને લાભાંતરાય કર્મના ઉદયને કારણે ચારસો દિવસ સુધી આહાર – પાણી મળ્યાં ન હતાં,
અખાત્રીજના દિવસે ઋષભદેવ ભગવાનનું પારણું થયેલું,ત્યારથી વર્ષીતપ કરવાની પરંપરા શરૂ થઈ છે.

માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.મૂનિરાજશ્રી નયશેખર વિજયજી મહારાજ સાહેબે જણાવેલ કે જૈન શાસ્ત્રોમાં તપને અનેરૂ અને આગવું મહત્વ આપવામાં આવ્યું છે. જૈનાગમ શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રમાં 30 મું “તપો માર્ગ ” નામનું એક આખું અધ્યયન આપેલું છે તેમાં કહ્યું છે.. કરોડો ભવોના બાંધેલા કર્મો તપથી ખરી અને નિર્જરી જાય છે.
જિજ્ઞાસુ સાધક પરમાત્માને પ્રશ્ર્ન પૂછે કે
હે નાથ !
દીક્ષા લઈને અમારે કરવાનું શું ?
કરૂણાસાગર જવાબ આપે કે
ભવ્ય આત્માઓ !
સંયમ અને તપમાં તમારા આત્માને જોડી દેજો.
તપના બાર પ્રકાર છે,તેમા છ આભ્યંતર અને છ બાહ્ય.
વર્ષી તપની બાહ્ય તપમા ગણના થાય છે.વર્ષી તપ એ 400 દિવસ સુધી કરવામાં આવતું વિશિષ્ઠ તપ રહેલું છે.વર્ષી તપના તપસ્વીઓ ઉપકારી પૂ.ગુરુવર્યો,પૂ.સાધુ – સાધ્વીજીઓના શ્રી મુખેથી ફાગણ વદ આઠમના તપના પચ્ચખાણ અંગીકાર કરી મંડાણ કરે છે અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે તપની પૂર્ણાહૂતિ થાય છે.અમુક તપસ્વીઓ અખાત્રીજથી પણ તપના મંડાણ કરે છે.
અખાત્રીજ સર્વ શ્રેષ્ઠ મુહૂર્ત પણ ગણાય છે.અક્ષય એટલે જેનો ક્ષય ન થાય તે.અખાત્રીજને યુગાદિ તિથિ અને લોકબોલીમાં અખાત્રીજ કહેવાય છે.

વર્ષીતપની શરૂઆત સંદર્ભે એક પ્રસંગ સંકળાયેલો છે.
આ યુગના પ્રથમ તીથઁકર શ્રી આદિનાથ – ઋષભદેવ ભગવાને સંયમનો સ્વીકાર કર્યો ત્યારે તેઓને છઠ્ઠ – બે ઉપવાસ હતાં.પારણાને દિવસે પ્રભુ ગોચરી – પાણી માટે નગરમાં નીકળ્યા પરંતુ નગરજનો સાધુની આહાર વિધી – નિયમોથી અજાણ હોવાથી તેઓ પ્રભુને હાથી,ઘોડા,હીરા,માણેક,મોતી,વસ્ત્ર અને પોતાની કન્યાઓ ઋષભદેવને ધરવા લાગ્યાં.આવું બે – ચાર દિવસ નહીં પરંતુ ચારસો દિવસ સુધી ચાલ્યું,છતાં પરમાત્મા ચિત્ત પ્રસન્ન રહેતાં. સમતા ભાવે ભૂખ – તરસને સહન કરતાં. પ્રભુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં 400 દિવસ પછી હસ્તિનાપુર પધાર્યા. મહેલના ઝરૂખામાં બેસીને નગર નિરીક્ષણ કરતાં શ્રેયાંસ કુમાર પ્રભુને જોઈને ચિંતને ચડ્યા કે..
આવા સાધુને મેં કયાંક જોયાં છે,ચિંતન – મનન કરતાં તેઓને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે તથા પૂર્વ ભવમાં જૈન સાધુને આપેલો આહાર તથા વિધી – નિયમો યાદ આવી જાય છે અને અતિ હર્ષિત થઈ સાત – આઠ ડગલા પ્રભુની સમીપે જઈ કહે છે…
પધારો ભગવંત…પધારો…
ગોચરી,પાણીનો લાભ આપો.ઋષભદેવ પ્રભુને નિર્દોષ ઈક્ષુ રસ – શેરડીના રસથી ભરેલા ઘડામાંથી અહોભાવથી ઈક્ષુ રસ વ્હોરાવે છે.પ્રભુ પોતાના કરપાત્રથી પારણું કરતાં જ
” અહો દાનમ્…મહા દાનમ્ ” ની ઉદ્ઘઘોષણા થાય છે તેમજ પંચ દિવ્યો પ્રગટ થાય છે.
પ્રભુ આદિનાથ ઋષભદેવના પારણાનો દિવસ એટલે વૈશાખ સુદ ત્રીજ.
આ તપને સંવત્સર તપ પણ કહે છે.
અમુક તપસ્વીઓ 400 દિવસને બદલે એક વર્ષ સુધી પણ તપ કરતાં હોય છે.
અમુક આરાધકોથી ઉપવાસ ન થઇ શકતો હોય તો એકાસણા,આયંબિલ વગરે નાની – મોટી તપશ્ચર્યા કરી વર્ષી તપની આરાધના કરતાં હોય છે.પ્રભુ પ્રત્યેના ભક્તિભાવથી તેઓએ કંડારેલી તપરૂપી કેડીને વર્ષી તપની પરંપરાને જૈન,અજૈન સૌ અનુસરી તપ માર્ગને આગળ ધપાવે છે.જૈન દર્શનમાં કહ્યું છે તપ કરવાથી,કરાવવાથી તથા તપસ્વીઓની અનુમોદના કરવાથી પણ કર્મ નિર્જરા થઇ શકે છે.
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!